પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં ભુજ ખાતે ‘રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન’ અંતર્ગત ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળા યોજાઇ
ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગુણવત્તાયુક્ત વિકાસ કામો સાથે કચ્છ વિકાસની દ્વષ્ટિએ અવ્વલ બને તે લક્ષ્ય સાથે કટિબદ્ધ બની કાર્ય કરે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
પદાધિકારીઓને પોતાની ફરજો, સત્તાઓ, યોજનાઓથી અવગત બની કચ્છના વિકાસમાં નવતર ઉમદા કામગીરી સાથે સહયોગી બને – રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા.
કચ્છ જિલ્લા પંચાયત દ્વારા આયોજિત કાર્યશાળામાં તજજ્ઞો દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થામાં પદાધિકારીઓની ભૂમિકા, સત્તાઓ અને જવાબદારીઓ વિશે માહિતી અપાઇ.
ભુજ,તા-૩૦ જુલાઈ : કચ્છ જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સદસ્યો માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતા હેઠળ ભુજ ટાઉનહોલ ખાતે એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમના કાર્યો, ફરજો અને સરકારની વિવિધ યોજનાઓ પ્રત્યે વધુ સજ્જ કરીને વિકાસને વેગ આપવાનો છે. પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ કાર્યશાળાને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન ના દિલમાં વસેલા કચ્છનો વિકાસ આજે સૌ જાણે છે. ત્યારે આ વિકાસને હજુ ઝડપી અને સફળ બનાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ પોતાની ફરજો અને જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરે તે જરૂરી છે. તેમણે દરેક સભ્યોને પોતાના મત વિસ્તારનો નિયમિત પ્રવાસ કરીને નાગરિકોની સમસ્યાઓને ઉકેલવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ ટાંકણે પ્રભારીમંત્રી એ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઓને સંકલન કરીને કામગીરી કરવાના સૂચન સાથે કચ્છમાં થતાં વિકાસના કામોની ગુણવત્તા જળવાઇ રહે તે જોવા ખાસ ભાર મુક્યો હતો. નાગરિકોના પ્રશ્નોથી વાકેફ થવા માટે તાલુકા અને જિલ્લા પંચાયત ખાતે સૂચનપેટી મૂકવા તેમણે સૂચન કર્યું હતું. વધુમાં મંત્રી એ ચૂંટાયેલા સભ્યો સાથે સીધો સંવાદ કરીને તેમના પ્રશ્નો તથા સૂચનો જાણ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિ રાજ્ય સરકારનો ચહેરો છે, ત્યારે પોતાના વિસ્તારની સુખાકારી માટે દરેક પ્રતિનિધિ નમૂનારૂપ કામ કરવા સંકલ્પબદ્ધ બને તે જરૂરી છે. તેમણે પંચાયતી રાજ સંસ્થાઓ અને પદાધિકારીઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવીને જિલ્લાને પ્રગતિના નવા શિખરો પર લઈ જવા તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની પાઠશાળા છે. ચૂંટાયેલા પદાધિકારીઓ પોતાની જવાબદારી સક્ષમતાથી વહન કરી શકે તે માટે આ તાલીમવર્ગ ઉપયોગી બની રહેશે. તેમણે પદાધિકારીઓને પોતાની ફરજો, સત્તાઓ, યોજનાઓ તથા નિયમોથી અવગત થવા તેમજ પોતાના કાર્યકાળમાં ઉમદા કામ કરીને નવતર કાર્યક્રમો દ્વારા લોકોને જોડવા પર ભાર મુક્યો હતો. વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી કચ્છના વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે જનપ્રતિનિધિઓ પણ પોતાની ભૂમિકા નિભાવી કચ્છના વિકાસમાં સહયોગ આપે તેવી અપીલ કરી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ પ્રસંગે પદાધિકારીઓને પોતાની જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરીને જરૂર જણાય ત્યાં માર્ગદર્શન મેળવીને છેવાડાના લાભાર્થી સુધી સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. જ્યારે ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવેએ પદાધિકારીઓને પોતાની જવાબદારીઓથી અવગત બનીને સફળતાપૂર્વક પોતાનું દાયિત્વ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જનપ્રતિનિધિઓને સરકાર અને લોકો વચ્ચે મજબુત કડી ગણાવીને મતવિસ્તારની સમસ્યાઓ જાણીને તેના ઉકેલ માટે કામગીરી કરવા જણાવ્યું હતું. ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે પદાધિકારીઓને નાગરિકોના વિશ્વાસને વિકાસકામો કરીને જાળવી રાખવા તેમજ લોકોની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં કામગીરી કરવા સૂચન કર્યું હતું. આ કાર્યશાળાના દરમિયાન પદાધિકારીઓને તજજ્ઞો દ્વારા પંચાયતીરાજ વ્યવસ્થામાં પદાધિકારીઓની ભૂમિકા, સત્તાઓ અને જવાબદારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે ગ્રામ પંચાયત વિકાસ યોજના અને ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, ગ્રામ સભાનું મહત્વ, પેસા એક્ટ, ઘન કચરાના નિકાલ સહિત વિવિધ ટેકનિકલ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મહાવીરસિંહ જાડેજા, કારોબારી ચેરમેનશ્રી હરીશ ભંડેરી, જિલ્લા પંચાયતના અધિકારીગણ, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.






