વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.૦૨ જુલાઈ : ડોક્ટર્સ ડેની ઉજવણીના ભાગરૂપે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના સંવેદનશીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને અંત્યોદય પરિવારોને ગંભીર બીમારીઓ સામે આરોગ્ય સારવાર પૂરી પાડવા માટે વર્ષ ૨૦૧૨માં ‘મા’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો હતો જેઓ મોટી માંદગીના કારણે દેવાના ડુંગરમાં ધકેલાઈ જતા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને સામાન્ય પરિવારોની વેદનાને ઊંડાણપૂર્વક સમજીને આ યોજનાનો પાયો નાખ્યો હતો. આ યોજનાએ અનેક પરિવારોને આર્થિક બોજમાંથી મુક્ત કર્યા અને તેમને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મેળવવામાં મદદ કરી.
‘મા’ યોજનાનું નવીનીકરણ કરીને તેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) – આયુષ્માન ભારત કાર્ડ સાથે જોડવામાં આવી છે. આ સંયુક્ત યોજના દ્વારા રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે મળીને દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી મોટું આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર આરોગ્ય વીમા (હેલ્થ ઇન્સ્યોરન્સ)નું જ નહીં, પરંતુ આરોગ્યની ખાતરી (હેલ્થ એસ્યોરન્સ)નું સ્વપ્ન જોયું છે, જે હવે સાકાર થઈ રહ્યું છે. આ યોજના હેઠળ, પરિવારોને બીમારીના સમયે મંગળસૂત્ર કે અન્ય કિંમતી વસ્તુઓ ગીરવે મૂકવાની ફરજ નહીં પડે.
આ યોજનાનો સૌથી મોટો લાભ માતાઓ અને બહેનોને થશે. આપણા સમાજમાં ઘણીવાર માતાઓ અને બહેનો પરિવારના ખર્ચના ખાડામાં ન ઉતરી જાય તે માટે પોતાની પીડા વ્યક્ત કરતી નથી. પરંતુ હવે આ યોજના હેઠળ, તેમને પોતાની બીમારી છુપાવવાની જરૂર નહીં પડે, કારણ કે સરકાર તેમના તબીબી ખર્ચાઓ ઉઠાવશે.
હવે લાભાર્થીઓને પ્રિન્ટ કરાયેલા નવા આયુષ્માન પીવીસી કાર્ડ આપવામાં આવશે ત્યાં સુધી તાજેતરમાં ડોક્ટર્સ ડેની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે, ડોકટરોના સહયોગથી ૨૦ કાર્ડ પ્રિન્ટ કરીને વિતરણ કરવામાં આવ્યા હતા. ગુંદાલા ગામે આરોગ્ય કાર્યકર રાજદીપભાઈ માનસિંગ ડોડીયાના હસ્તે પંચાયતના કર્મચારીને પ્રતીકરૂપે આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે લોકો પોતાના નજીકના આરોગ્ય કાર્યકર અથવા આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરીને વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ બનાવી શકશે.



