GUJARATKUTCHMANDAVI

માંડવીમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી: જનજાગૃતિ રેલી અને કાયદાના પાલન અંગે અપીલ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી, તા. ૦૪ જૂન : તાજેતરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે માંડવી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં તમાકુ અને અન્ય વ્યસનોના દૂષણ વિરુદ્ધ જાગૃતિ લાવવાનો હતો.

રેલી દરમિયાન તમાકુ તથા વ્યસન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કૈલાશપતિ પાસવાને તમાકુના સેવનથી થતી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને વ્યસનમુક્તિનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ એ.એન.એમ. સ્કૂલ, માંડવીના પ્રિન્સિપાલ કામિનીબેન મોદીએ પણ પ્રસંગ અનુરૂપ પ્રેરણાદાયક વક્તવ્ય આપી યુવા પેઢીને વ્યસનોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું.

આ રેલીમાં એ.એન.એમ. સ્કૂલની તમામ વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમાજમાં જાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ઝવેરલાલ પી. નાથાણી, રુક્સાનાબેન આગરીયા, શૈલેન્દ્રસિંહ ચાવડા અને ગોપાલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.તમાકુ નિયંત્રણ કાયદાના અમલીકરણ અને જવાબદારી અંગે અપીલ: આ જનજાગૃતિ કાર્યક્રમની સાથે સાથે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે તમાકુ નિયંત્રણ કાયદાના કડક અમલીકરણની પણ અપીલ કરવામાં આવે છે. દર વર્ષે, શાળાઓની આસપાસ તમાકુના ઉત્પાદનો વેચતા દુકાનદારો તેમજ જાહેર દવાખાના, એસ.ટી. બસ સ્ટોપ, જિલ્લા/તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, જી.ઈ.બી. ઓફિસ જેવી જાહેર જગ્યાઓએ ધૂમ્રપાન કે તમાકુનું સેવન કરનારાઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી થતી હોય છે. આ વર્ષે કચ્છમાં આવી કોઈ વ્યાપક પ્રવૃત્તિ જોવા મળી નથી, જે ચિંતાનો વિષય છે.

તંત્ર દ્વારા તમાકુ નિયંત્રણ કાયદાની જોગવાઈઓનું નિયમિત અને કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે. કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓ અને તેના અધિકારીઓ પોતે પણ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે વધુ પ્રેરણાદાયક અને અનુકરણીય બનશે. આનાથી સમાજમાં વ્યસનમુક્તિનો સંદેશ વધુ મજબૂત બનશે અને સ્વસ્થ ગુજરાતના નિર્માણમાં મદદ મળશે.

Back to top button
error: Content is protected !!