બોડેલી નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપનો દબદબો, 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા







છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાના પહેલાજ ભાજપે મજબૂત શરૂઆત કરી છે અને 6 બેઠકો પર પોતાના ઉમેદવારોને બિનહરીફ જીત અપાવવામાં સફળતા મેળવી છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
બોડેલી નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 28 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન કુલ 83 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણી બાદ 10 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 6 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે બાકી રહેલા 69 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે.
ખાસ કરીને વોર્ડ નં. 5 ભાજપ માટે સૌથી મજબૂત સાબિત થયો છે. આ વોર્ડમાં ભાજપની સંપૂર્ણ પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે, જે પાર્ટી માટે મોટી રાજકીય જીત ગણાઈ રહી છે. વોર્ડ નં. 5માં મૈત્રી જૈમિન શાહ, રાધિકાબેન સંતોષભાઈ મોરે, કાર્તિકભાઈ દિલીપભાઈ શાહ અને ઉમેશભાઈ રામદાસ રાઠવા બિનહરીફ જાહેર થયા છે. એક જ વોર્ડમાં ચારેય બેઠકો પર બિનહરીફ જીત ભાજપની સંગઠન શક્તિ અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ દર્શાવે છે.
તે ઉપરાંત વોર્ડ નં. 7માં સલમા જિયાઉદ્દીન મનસુરી અને વોર્ડ નં. 2માં ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ રીતે કુલ 6 બેઠકો પર ભાજપે વિના મતદાન જીત મેળવી છે, જે ચૂંટણી પહેલા જ પાર્ટી માટે મોટો બૂસ્ટ સાબિત થયો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, બિનહરીફ જીત પાછળ ભાજપની સંગઠિત કાર્યશૈલી, સમયસર ઉમેદવાર પસંદગી અને સ્થાનિક સ્તરે કાર્યકરોની સક્રિયતા મહત્વપૂર્ણ રહી છે. બીજી તરફ વિરોધ પક્ષો ઉમેદવારો ઊભા કરવામાં અથવા મતદારો સુધી પહોંચવામાં પાછળ રહી ગયા હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે.
હવે બાકીના 69 ઉમેદવારો વચ્ચે જોરદાર ચૂંટણી જંગ જામવાનો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો ભાજપ સામે ટક્કર આપવા મેદાને ઉતર્યા છે. દરેક વોર્ડમાં પ્રચાર તેજ બનવાની સંભાવના છે અને મતદારોને આકર્ષવા માટે વિવિધ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.
આ સમગ્ર પરિસ્થિતિમાં બોડેલી નગરપાલિકાની ચૂંટણી હવે વધુ રસપ્રદ બની ગઈ છે. એક તરફ ભાજપ પહેલેથી જ 6 બેઠકો કબજે કરીને આગળ નીકળી ગયું છે, જ્યારે બાકીની બેઠકો માટે અન્ય પક્ષો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં પ્રચાર યુદ્ધમાં કોણ બાજી મારે છે અને મતદારો કોને સમર્થન આપે છે.
રીપોર્ટર તોસીફ ખત્રી





