કાલોલના ડેરોલગામમાં સરકારી ક્વાર્ટર નિયમો વિરૂદ્ધ તોડી પાડી ભંગાર વેચી માર્યાનો આક્ષેપ: ઉચ્ચ કક્ષાએ રજૂઆત.

તારીખ ૩૦/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલગામ ખાતે ગ્રામ પંચાયત હસ્તકનું વર્ષો જૂનું ગ્રામ સેવકનું ક્વાર્ટર અને ઓફિસ કોઈપણ જાતની વહીવટી મંજૂરી વિના જે.સી.બી. મશીન વડે તોડી પાડી, તેમાં વપરાયેલ લોખંડ અને બારી-બારણાં ભંગારમાં વેચી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ડેરોલગામના જાગૃત નાગરિકો પરમાર હિમાંશુકુમાર હસમુખભાઈ તથા સુરેશકુમાર લાલસિંગભાઈ ખડીયા દ્વારા કરવામાં આવેલી સંયુક્ત ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ડેરોલગામમાં આવેલું આ ગ્રામ સેવકનું મકાન સારી હાલતમાં હતું અને રિપેરિંગ કરીને તેનો પુનઃ ઉપયોગ કરી શકાય તેમ હતો. તેમ છતાં, ગત તારીખ ૨૮/૦૫/૨૦૨૬ ને ગુરૂવારના રોજ બકરી ઈદની જાહેર રજાના દિવસે વહીવટી તંત્રની કોઈ પણ પૂર્વ મંજૂરી વગર આ સરકારી મકાન તોડી પાડવામાં આવ્યું હતું જ્યાં મકાન તોડ્યા બાદ તેમાંથી નીકળેલી લોખંડની જાળીઓ, દરવાજા અને સળિયા ભંગારમાં વેચી દઈ નાણાંકીય ગેરરીતિ કરવામાં આવી છે.સરકારી નાણાંનો દુરુપયોગ કરવા અને ત્યાં નવીન હવાડાની ગ્રાન્ટ વાપરવાના બહાને નાણાકીય કૌભાંડ આચરવાના ઈરાદે આ સરકારી મિલકતને નુકસાન પહોંચાડાયું છે.ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી અરજદારો દ્વારા આ મામલે કાલોલ તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગોધરા અને કાલોલ પોલીસ મથકે પણ લેખિત નકલ રવાના કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા માંગ કરી છે. વધુમાં જણાવ્યું છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી કડક પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.






