ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જૂનાગઢ જિલ્લાના ચાપરડા ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ મહંત શ્રી મુક્તાનંદ બાપુની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. મુખ્યમંત્રી શ્રી એ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા.મુખ્યમંત્રીશ્રી બ્રહ્માનંદ આશ્રમ દ્વારા ચાલતી શૈક્ષણિક અને સેવાકાર્યોની વિસ્તૃત જાણકારીથી અવગત થયા હતા. સાથે જ બ્રહ્માનંદ વિદ્યાધામના શિસ્તબદ્ધ વાતાવરણ સરાહના કરી હતી.આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને શ્રી મુક્તાનંદ બાપુએ યજ્ઞકુંડમાં શ્રીફળની આહુતિ પણ આપી હતી.શ્રી બ્રહ્માનંદ આશ્રમના મહંત શ્રી મુક્તાનંદજી બાપુએ મુખ્યમંત્રીશ્રીને શાલ ઓઢાડી અને પુષ્પગૂચ્છ અર્પણ કરીને પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા “વંદે માતરમ” તથા “ભારત માતા કી જય”ના ઉમંગભેર ઉચ્ચારણ સાથે મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સ્વહસ્તે તૈયાર કરાયેલ સ્કેચ મુખ્યમંત્રીશ્રીને ભેટરૂપી અર્પણ કરી હતી.ચાપરડા બ્રહ્માનંદ આશ્રમ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જેડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ