BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વર નગરપાલિકામાં ડીઝલ જનરેટર ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર:રૂ.13 લાખના જનરેટર માટે રૂ.25 લાખનો ખર્ચ, ચીફ ઓફિસરે આક્ષેપો નકાર્યા

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલી ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. નિવૃત્ત શિક્ષક અને આરટીઆઈ કાર્યકર્તા પ્રવીણ મોદી દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સરકારની ગાઈડલાઈન મુજબ જેમ્સ પોર્ટલ પરથી ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક જ કામ માટે ત્રણ વખત બોર્ડમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પ્રથમ વખતે રૂ.11 લાખ, બીજી વખતે રૂ.14 લાખ અને અંતે રૂ.25 લાખમાં જનરેટરની ખરીદી કરવામાં આવી હતી. સરકારી વિભાગ જેટકોના તજજ્ઞોએ સૂચવેલી કંપનીને બદલે કિલોસ્કર કંપનીનો ડી.જી. સેટ ખરીદવામાં આવ્યો હતો.
મહત્વની વાત એ છે કે, આ જનરેટરની બજાર કિંમત રૂ.7.50 લાખ છે, જ્યારે જેમ્સ પોર્ટલ પર તેની કિંમત રૂ.9.15 લાખ છે. પેનલ સ્ટ્રક્ચર સહિતનો મહત્તમ ખર્ચ રૂ.13-14 લાખ થઈ શકે છે. આમ છતાં પાલિકાએ રૂ.25 લાખનો ખર્ચ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ આક્ષેપોના જવાબમાં અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કલોડીયા અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની હાજરીમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ચીફ ઓફિસરે તમામ આક્ષેપો નકારી કાઢ્યા અને જણાવ્યું કે, જનરેટરની ખરીદી સરકારના પરિપત્ર મુજબ જ કરવામાં આવી છે.
આ મામલે હવે સુરત નગરપાલિકા નિયામકની કચેરીમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કથિત ભ્રષ્ટાચારની તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!