GUJARATKUTCHMANDAVI

કચ્છ જિલ્લામાં મમતા દિવસ અંતર્ગત બાળકો અને સર્ગભા મહિલાઓની તબીબી તપાસ કરાઈ

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવીને ૦૮ હજારથી વધુ લાભાર્થીઓને આવરી લેવાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૪ માર્ચ : કચ્છ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ૧૮ મોબાઈલ સેશન સહિત કુલ ૩૯૬ મમતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૦થી ૫ વર્ષ સુધીના બાળકો અને સર્ગભા માતાની સારસંભાળ તેમજ તબીબી તપાસ અને રસીકરણ વગેરે બાબતોની કાળજી માટે દર બુધવારે આંગણવાડીઓમાં મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં મમતા દિવસની ઉજવણીમાં આશરે ૦૮ હજાર જેટલા લાભાર્થીઓ સહભાગી બન્યા હતા. મમતા દિવસની ઉજવણી દરમિયાન બાળકના જન્મ સમયે અપાતી ઓપીવી ઝીરો, બીસીજી, હેપેટાઈટીસ-બી સહિત વિવિધ રસીઓ સર્ગભા માતાઓને આપવામાં આવતી ટીડી અને ટીડી બુસ્ટર જેવી મહત્વની રસીઓ આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવી હતી. આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસ અનુલક્ષીને ૧૦-૧૯ વયજૂથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, તરુણીઓને માસિક સ્ત્રાવ બાબતે માર્ગદર્શન, NCD બાબતે જાગૃતિ, વ્યસન અંગેની સમજ અને નાબૂદી માટેના પ્રયત્નો, કોઈપણ પ્રકારની હિંસા વિશેની સમજણ, ન્યુટ્રીશન બાબતે સલાહ-સૂચન, માનસિક આરોગ્ય બાબતે સજાગતા અને કિશોરી શક્તિ પેકેટ ડીસ્ટ્રીબ્યુશન જેવી કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવીને તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણીની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, વાડી વિસ્તાર તેમજ છૂટાછવાયા ઘરો હોય એવા વિસ્તારમાં મોબાઈલ વાન દ્વારા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને સર્ગભા માતાઓ અને પાંચ વર્ષ સુધીના બાળકોની તપાસ કરવામાં આવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!