અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર અને વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળાનો ભવ્ય પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર અને વનૌષધિય વેચાણ તથા પ્રદર્શન મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના કરકમળે તારીખ 28 જાન્યુઆરી, 2026ના રોજ આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ મેળો આગામી તારીખ 3 ફેબ્રુઆરી સુધી યોજાનાર છે.
આ વેચાણ અને પ્રદર્શન મેળામાં રાજ્યભરના આદિવાસી ભાઈ-બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. મેળામાં કુલ 75 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં 100થી વધુ આદિવાસી હસ્તકલાકારો અને વૈદુ ભગતો પોતાની પરંપરાગત કળા, વનૌષધિઓ, ખાદ્ય પદાર્થો અને હસ્તકલાકૃતિઓ રજૂ કરી રહ્યા છે. દરરોજ સાંજે પ્રખ્યાત આદિવાસી નૃત્ય ટીમો દ્વારા પરંપરાગત નૃત્યોની રંગારંગ રજૂઆતો કરવામાં આવી રહી છે, જે નગરજનો માટે વિશેષ આકર્ષણ બની છે.
મેળાના ઉદ્ઘાટન પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ પાસે પ્રાકૃતિક ખેતી, પરંપરાગત ખોરાક, હસ્તકલા અને વનૌષધિઓનો અમૂલ્ય વારસો છે, પરંતુ આજ સુધી તેને યોગ્ય બ્રાન્ડિંગ આપવામાં આવ્યું નથી. વિશ્વાસ, ગુણવત્તા અને ભરોસાના આધાર પર આ ચીજવસ્તુઓને આધુનિક બજારમાં સ્થાપિત કરવા માટે બ્રાન્ડિંગ અને આધુનિક અભિગમ અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા અને વનૌષધિઓનું સંરક્ષણ અને સંવર્ધન સમયની મહત્વની માંગ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે આજના સમયમાં ફાસ્ટ ફૂડ અને અસ્વસ્થ આહારના કારણે અનેક ગંભીર રોગો વધી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક પેદાશો આધારિત પરંપરાગત આહાર આરોગ્ય માટે અત્યંત લાભદાયક છે. આગામી સમયમાં કુદરતી અને દેશી ચીજવસ્તુઓની માંગ વધવાની હોવાથી આ પરંપરાગત વારસાને સાચવી રાખવો અનિવાર્ય છે.
તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, હસ્તકલા, પોશાક, ભાષા, નૃત્ય, ખોરાક, વન ઔષધિઓ અને આધ્યાત્મિક મૂલ્યોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે.
પોતાના જીવનના અનુભવો વહેંચતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજે તેમને જમીન સાથે જોડાયેલા મૂલ્યો, પરિશ્રમ અને પ્રામાણિકતાનું શિક્ષણ આપ્યું છે. તેમણે પોતાની વ્યાવસાયિક કારકિર્દી નાના સ્તરે શરૂ કરી હતી અને સાહસ, ધૈર્ય તથા ઈમાનદારીના આધારે આજે સફળ વ્યવસાયિક બની શક્યા હોવાનું જણાવ્યું હતું. વેપારમાં નુકસાનથી ડરવા બદલે આત્મમંથન કરીને આગળ વધવું જોઈએ તેવો સંદેશ તેમણે યુવા પેઢીને આપ્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના કાર્યપાલક નિયામક ડો. સી. સી. ચૌધરીએ સંસ્થાની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આદિવાસી સમાજના વિકાસ માટે હાથ ધરાયેલા સંશોધન, તાલીમ કાર્યક્રમો, આદિવાસી મેળાઓ તેમજ PM-JANMAN, DA-JDUA અને આદિ કર્મયોગી અભિયાન જેવી યોજનાઓ અંગે રાજ્ય સરકારની સિદ્ધિઓ રજૂ કરી હતી.
ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાબરમતી વોર્ડના કોર્પોરેટર બાબુભાઈ રાણા, લાંભા વોર્ડના કોર્પોરેટર જશોદાબેન અમલીયાર, આદિજાતિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ મેળો શહેરના નાગરિકોને આદિવાસી જીવનશૈલી, સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનને નજીકથી સમજવાનો એક અનોખો અવસર પૂરો પાડી રહ્યો છે.







