સાબરકાંઠામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઇ
સાબરકાંઠામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઇ
**
સુરક્ષા અને બચાવ એજન્સીઓની ત્વરિત અને અસરકારક કામગીરી
**
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર કોઈપણ પ્રકારના હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન શિલ્ડ હેઠળ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઇ હતી.જે અંતર્ગત ડમી હુમલાની જાણ થતા કલેક્ટર કચેરી હસ્તક ની ડિઝાસ્ટર શાખા દ્વારા તમામ સંબંધિત વિભાગોને તાત્કાલિક જાણ કરતા સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું હતું . ફાયર ઓફિસર , માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગનો સંબંધિત સ્ટાફ તથા જિલ્લા વહીવટી તંત્રની વિવિધ એજન્સીઓ, નગરપાલિકાની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
આ મોકડ્રીલ બાદ ઇન્ચાર્જ કલેકટરશ્રી હર્ષદ વોરાએ જણાવ્યુ હતુ કે નાગરિકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને પ્રતિકૂળ હુમલા દરમિયાન રક્ષણ માટે નાગરિક સંરક્ષણ તકનીકોમાં તાલીમ આપવાના ઉદ્દેશ્યથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ. મોકડ્રીલમાં સંબંધિત વિભાગો દ્વારા ત્વરીત રીસ્પોન્સ આપી બચાવની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. આ સાથે હુમલાના કારણે આગ લાગતા આગ બુઝાવવાના સ્થળે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. ઘાયલ લોકોને બિલ્ડીંગ પરથી રેસ્ક્યુ કરીને પ્રાથમિક સારવાર અપાવવાની સાથે ઇજાગ્રસ્ત નાગરિકોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવના સ્થળે ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવાનું કામગીરી તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબી વડે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મોકડ્રિલમાં તંત્રની સજ્જતા અને મોકડ્રિલ સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીનું રિવ્યૂ કરાયું હતું. સમગ્ર મોકડ્રીલ દરમિયાન સતત સાઇરન વગાડી નાગરિકોને સાવચેત કરાયા હતા.તેમજ સામાન્ય નાગરિકોમાં આ મોકડ્રિલને લઈને કોઈ ગભરાટ કે દહેશત ન ફેલાય અને આ મોકડ્રિલ એ માત્ર સુરક્ષા-સલામતીના ઉપાયોની સતર્કતાની જાણકારી માટે હાથ ધરાઈ રહી છે તે અંગેની ખાસ તકેદારી રખાઈ હતી.
નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, NCC, NSS, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ જેવા યુવા વોલીન્ટીયર્સની દેશની સેવાઓમાં વધુમાં વધુ જોડાય તે માટે ઇન્ચાર્જ કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ મોકડ્રીલ સમયે જિલ્લા પોલીસવડાશ્રી વિજય પટેલ,નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ણા વાઘેલા સહિત આપત્તિ સમયે બચાવ માટે સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાત્રે 8 થી 8:10 દરમિયાન વડાલી નગરપાલિકા ખાતે બ્લેકઆઉટ કરી મોકડ્રીલ હાથ ધરનાર છે.
જયંતિ પરમાર સાબરકાંઠા