કાલોલ પોલીસની મોટી સફળતા અપહરણ અને પોક્સો ગુનાનો છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

તારીખ ૦૫/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા ગુમ અને અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ “ઓપરેશન મિલાપ” અંતર્ગત કાલોલ પોલીસને એક મોટી સફળતા મળી છે. કાલોલ પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સો (POCSO) એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, તેમજ તેની સાથે રહેલ ભોગ બનનાર યુવતીને પણ શોધી કાઢવામાં આવી છે.
કાલોલ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૪ મા નોંધાયેલ ગુના મુજબ, આરોપી વિરુદ્ધ ઈ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુના અન્વયે આરોપી છેલ્લા અઢી વર્ષથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો.પંચમહાલ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા બાળકો અને મહિલાઓને શોધવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.આ અંતર્ગત કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ અને તેમની ટીમ હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સોર્સીસ દ્વારા તપાસ ચલાવી રહી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ગુનાનો આરોપી ભુપેન્દ્રસિંહ ઉર્ફે ફોફો જશવંતસિંહ સોલંકી (ઉં.વ. ૩૦, રહે. જેલી (હમીરપુરી) ખારવા ફળિયું, તા. કાલોલ, જી. પંચમહાલ) ભોગ બનનાર સાથે હાલમાં અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે મજૂરી કામ કરી રહ્યો છે. જે બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચીને રેડ કરી હતી, જ્યાંથી આરોપી અને ભોગ બનનાર મળી આવ્યા હતા. પોલીસે બંનેને કાલોલ પોલીસ સ્ટેશન લાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







