BHUJGUJARATKUTCH

પ્રજ્ઞાચક્ષુ બાળકો બાદ હવે શ્રવણ દિવ્યાંગોને નાગરિક સંરક્ષણની તાલીમ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

સશક્ત દિવ્યાંગ, સુરક્ષિત ભારત: કચ્છ નાગરિક સંરક્ષણ તંત્રની અનોખી પહેલ.

સંકેતો અને સ્પર્શથી નાગરિક સંરક્ષણનું શિક્ષણ: કચ્છ જિલ્લાનું સર્વસમાવેશી મોડલ.

મૌન અને અંધકાર વચ્ચે સર્જાઈ નાગરિક સંરક્ષણ શિક્ષણની યાત્રા.

જ્યાં દ્રષ્ટિ નથી ત્યાં સ્પર્શ, જ્યાં ધ્વનિ નથી ત્યાં સંકેત: કચ્છ નાગરિક સંરક્ષણ તંત્રની પહેલ.

સંકેત અને સ્પર્શના સંવેદનથી સુરક્ષા સુધી: કચ્છ નાગરિક સંરક્ષણ તંત્રનો અનોખો અભિગમ.

ભુજ, તા. 25 મે : જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રક શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર અને નાયબ નિયંત્રક શ્રી ધવલ પંડ્યા અને કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વેલસ્પન કંપનીના સહયોગથી મૂક-શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓને કુદરતી અને માનવ સર્જિત હોનારત સમયે આત્મસુરક્ષા તેમજ રાષ્ટ્રસેવામાં સજ્જ રહેવા પાયાની તાલીમ આપવામાં આવી.આ અગાઉ કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ ભુજ સ્થિત નવચેતન અંધજન મંડળ ખાતે ૧૫૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે તાલીમના મોડ્યુલ બ્રેઈલમાં તૈયાર કરવામાં આવ્યા હતા. આ તાલીમથી પ્રેરણા લઈને તરત જ શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓ માટે સંકેત ભાષા આધારિત તાલીમનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો. જે દર્શાવે છે કે કચ્છ નાગરિક સંરક્ષણ દળ દરેક નાગરિકને પાયાની તાલીમ આપવા પ્રત્યે કટિબદ્ધ છે.સંકેત ભાષાના અનુવાદકોના સહયોગથી દ્રશ્ય આધારિત આ તાલીમમાં વેલસ્પન કંપનીના અંજાર પ્લાન્ટ ખાતે કામ કરતા ૧૦૦ જેટલા શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓએ ભાગ લીધો હતો.

તાલીમ દરમિયાન શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા નાગરિક સંરક્ષણનો હેતુ, તેનું મહત્વ અને તેની ૧૨ સેવાઓ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી. તદઉપરાંત આગના પ્રકારો, અગ્નિશમન સાધનોના પ્રકારો અને તેમનો યોગ્ય ઉપયોગ કરીને આગ ઓલવવાની પદ્ધતિઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું. સાથે જ હવાઈ હુમલા જેવી પરિસ્થિતિઓમાં લેવાપાત્ર સાવચેતીના પગલાં, અંધારપટનો ઉપયોગ અને બચાવની કળા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી. શ્રી પ્રશાંત તન્નાએ પ્રાથમિક સારવાર અંગે કર્મચારીઓને જાણકારી આપી. તેમાં લોહી નીકળવું, દાઝી જવું, હાડકાના ફ્રેક્ચર વગેરે સમયે જરૂરી પ્રાથમિક સારવાર તેમજ હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં CPR (Cardio Pulmonary Resuscitation) ની સમજ મેનેક્વિનના પ્રદર્શન વડે આપવામાં આવી. આવી હોનારતોમાં ફસાયેલા નાગરિકોની સુરક્ષા માટે ભયજનક વિસ્તારોમાંથી બચાવ કરવાની વિવિધ પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રી ધવલ પંડ્યાએ જણાવ્યું કે “દિવ્યાંગ નાગરિકો આપણા સમાજનો અભિન્ન હિસ્સો છે. તેમની શક્તિઓ અને ક્ષમતા જો યોગ્ય માર્ગદર્શન અને તાલીમ દ્વારા પ્રગટ થાય, તો તેઓ પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સામે મજબૂત પ્રતિસાદ આપી શકે છે. પહેલા બ્રેઈલના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુ બાળકોને અને હવે સંકેતો દ્વારા શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓને તાલીમ આપવાના અમારા શ્રેણીબદ્ધ કાર્યક્રમો દ્વારા અમારું લક્ષ્ય છે કે કચ્છ જિલ્લાનું નાગરિક સંરક્ષણ દળ એક સર્વસમાવેશી મોડેલ બની ઊભરે – જ્યાં દરેક નાગરિક, ભલે તે શારીરિક રીતે વિવિધતાથી ભર્યો હોય, પણ આત્મસુરક્ષા અને સેવા માટે સમર્થ બને.”કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા ભવિષ્યમાં પણ આવા સમાવેશી અને જાહેરજાગૃતિવાળા કાર્યક્રમો સતત આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

સંકેત ભાષા: શ્રવણ દિવ્યાંગો માટે જીવનરેખા : વર્ષ ૨૦૧૧ ની જનગણના મુજબ કુલ ૨ કરોડ ૬૮ લાખ દિવ્યાંગ નાગરિકો પૈકી ૫૦ લાખથી વધુ શ્રવણ દિવ્યાંગ છે. તેઓ અભ્યાસ અને પ્રત્યાયન માટે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરે છે. ભારતીય સંકેત ભાષા એ ભારતમાં શ્રવણ દિવ્યાંગ નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવાતી એક દૃશ્ય-અભિવ્યક્તિ ભાષા છે. આ ભાષામાં હાથના સંકેતો, ચહેરાના અભિવ્યક્તિ અને શરીરના હાવ-ભાવનો ઉપયોગ થાય છે. તે બોલાતી ભાષા જેવી નથી, તેનું પોતાનું અલગ વ્યાકરણ અને રચના હોય છે. ભારતમાં કુલ ૪૨ સંસ્થાઓ ભારતીય સંકેત ભાષામાં ડિપ્લોમાના કોર્સ ચલાવે છે. સને ૨૦૧૫માં ભારત સરકાર દ્વારા સ્થપાયેલ ઇન્ડિયન સાઈન લેન્ગવેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ISLRTC) ભારતીય સંકેત ભાષા માટે સંશોધન, શિક્ષણ સામગ્રી, તાલીમ કાર્યક્રમો અને ડિક્શનરી તૈયાર કરવા જેવા કાર્યો કરે છે. આ સંસ્થા દ્વારા શ્રવણ દિવ્યાંગ બાળકો માટે ગુજરાતીમાં પણ ડિક્શનરી તૈયાર કરવામાં આવેલ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે કચ્છ નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૯૬૦૦થી વધુ તાલીમાર્થીઓને નાગરિક સંરક્ષણની તાલીમ આપવામાં આવેલી છે. જેમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો, કચ્છમાં મીઠું પકવતા અગરિયામિત્રો, પ્રજ્ઞાચક્ષુ બાળકો, શ્રવણ દિવ્યાંગ કર્મચારીઓ વિગેરેનો સમાવેશ થાય છે.

 

 

 

Back to top button
error: Content is protected !!