
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા-મેઘરજ રોડ પર ક્લ્યુઝર જીપનો ત્રાટક, બે એક્ટિવાને અડફેટે લેતા અફરાતફરી – જીપની નંબર પ્લેટ શંકાના દાયરામાં
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં મેઘરજ-મોડાસા રોડ પર આવેલા નવીન ઉમિયા પ્રવેશ દ્વાર નજીક આજે એક ક્લ્યુઝર જીપે પુરઝડપે આવી બે એક્ટિવા વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સદનસીબે અકસ્માતમાં બંને એક્ટિવા ચાલકોનો બચાવ થયો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ ક્લ્યુઝર જીપનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટના દરમિયાન જીપની નંબર પ્લેટ શંકાના દાયરામાં આવી છે. ટેક્સી પાસિંગ નંબર પર સફેદ પટ્ટી ચોંટાડી તેના ઉપર અલગ નંબર દર્શાવાયો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.આ ઉપરાંત જીપમાંથી દેશી દારૂની પોટલીઓ હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ અંગે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.ઘટનાની જાણ થતાં 112 ઇમર્જન્સી ટીમ તેમજ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે તેમજ નંબર પ્લેટ અને વાહન સંબંધિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે.





