કાલોલ: જમીન અને પાણીના પાઇપલાઇન વિવાદમાં મેદાપુરમાં તંગદિલી, બંને પક્ષોએ નોંધાવી ફરિયાદ.

તારીખ ૩૦/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મેદાપુર ગામના મોટું ફળિયું વિસ્તારમાં ખેતરમાં પાણીની પાઇપલાઇન અને જમીનના હક બાબતે બે પક્ષો વચ્ચે હિંસક ઝઘડો થતાં કાલોલ પોલીસ મથકે સામસામી બે ફરિયાદો નોંધાઈ છે. આ ઘટના ૨૮ મે ૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ ઘટી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.પ્રથમ ફરિયાદ પૂનમસિંહ પ્રતાપસિંહ સોલંકીએ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, તેમના કાકા બળવંતસિંહ ઉદેસિંહ સોલંકી સવારે પોતાના ખેતરમાં ગયા હતા. તે સમયે પાડોશમાં રહેતા ચારૂલતાબેન સોલંકીના ખેતરની પાણીની પાઇપ તૂટી ગઈ હોવાથી તેનું પાણી બળવંતસિંહના ખેતરમાં આવતું હતું. બળવંતસિંહ આ પાઇપ બાંધવા માટે ઘરેથી ટ્યુબનો ટુકડો લઈને પરત આવ્યા ત્યારે ગામની ચાર મહિલાઓએ તેમના પર હુમલો કર્યો હતો.આરોપીઓ: (૧) શકુન્તલાબેન વિક્રમસિંહ સોલંકી, (૨) આનંદીબેન કિશોરસિંહ સોલંકી, (૩) શીતલબેન કિશોરસિંહ સોલંકી અને (૪) ચારૂલતાબેન સિધ્ધરાજસિંહ સોલંકી આ ચારેય મહિલાઓએ ભેગા મળી બળવંતસિંહને ગાળો આપી નીચે પાડી દીધા હતા. શકુન્તલાબેન અને આનંદીબેને તેમને લાતોથી માર માર્યો હતો, જ્યારે શીતલબેને ડાબા પગે તેમજ બરડાના ભાગે અને ચારૂલતાબેને માથાના ભાગે લાકડી ફટકારી લોહીલુહાણ કરી નાખ્યા હતા જ્યાં જતાં-જતાં આરોપીઓએ બળવંતસિંહને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જ્યાં ઇજાગ્રસ્ત બળવંતસિંહને ૧૦૮ એમ્બુલન્સ મારફતે પ્રથમ કાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે “પાઇપલાઇન ખોદવા બાબતે ના પાડતા લાકડીથી માર માર્યો” હોવાની વિગતે ફરિયાદ નોંધાવી છે જ્યાં સામે પક્ષે ચારૂલતાબેન સિધ્ધરાજસિંહ સોલંકીએ બળવંતસિંહ સોલંકી વિરૂદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ સવારે પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હતા ત્યારે બળવંતસિંહ ઉદેસિંહ સોલંકી તેમના ખેતરમાં પાણીની પાઇપલાઇન ખોદી રહ્યા હતા જ્યાં બળવંતસિંહ ઉદેસિંહ સોલંકી ચારૂલતાબેને પાઇપલાઇન ખોદવા બાબતે પૂછતાં બળવંતસિંહે ઉશ્કેરાઈને કહ્યું કે, “આ ખેતર મારૂં છે, તું અહીંથી બહાર નીકળ” તેમ કહી ગંદી ગાળો આપી હતી. ચારૂલતાબેને ગાળો બોલવાની ના પાડતા બળવંતસિંહે તેમના હાથમાં રહેલી લાકડી ચારૂલતાબેનને કમરના ભાગે મારી દીધી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા.ચારૂલતાબેને બૂમાબૂમ કરતાં તેમના સાસુ શકુન્તલાબેન, કાકી સાસુ આનંદીબેન અને શીતલબેન વચ્ચે પડીને તેમને વધુ મારથી બચાવ્યા હતા. બળવંતસિંહ પણ ચારૂલતાબેનને ફરી ખેતરમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ચારૂલતાબેનને ૧૧૨ સરકારી વાહન દ્વારા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.







