વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતનાં એ.પી.ઓ. ધર્મેશભાઈ ટંડેલ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ધમકી આપવામાં આવતી હોય તેવા આક્ષેપ સાથે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવારે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મોરઝીરા ખાતે મનરેગા યોજના હેઠળ જમીન લેવલિંગ નું કામ કરવામાં આવી રહ્યુ છે,મોરજીરા ગામે 9 જેટલા કામોના મસ્ટરો ચાલી રહ્યા છે.પરંતુ બે દિવસથી ત્યાં એક પણ મજૂર કામ કરવાનાં અર્થે હાજર જોવા મળતા નથી. ત્યારે આ બાબતે આહવા તાલુકા પંચાયતનાં મનરેગાનાં એ.પી.ઓ તરીકે ફરજ બજાવતા અધિકારી ધર્મેશ ટંડેલને ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર જાણ કરવા માટે ગયા હતા.ત્યારે એ.પી.ઓ દ્વારા રાકેશભાઈ પવાર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને તેમની સાથે જ ઝઘડો કરવામાં આવ્યો હતો અને ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારે આ અંગે એ.પી.ઓ.વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવારે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.પરંતુ એપીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સામે પણ રાકેશભાઈ પવાર સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરીને બોલચાલ કરીને ત્યાંથી જતા રહ્યા હતા.ત્યારે આ મામલે જવાબદાર અધિકારી વિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તથા આ અધિકારીને તાત્કાલિક ફરજ પરથી છૂટો કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.તેમજ આ અંગે જવાબદાર અધિકારી વિરુદ્ધ પગલા ભરવામાં નહીં આવે તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે..