વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૦ જૂન : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધો. ૧૨ની પૂરક પરીક્ષાઓ તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન યોજાનારી છે.આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે.જિલ્લામાં ઉપરોક્ત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તેમજ પરીક્ષા સ્થળના સંચાલકશ્રીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીના દૂષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઇટ/ડૂપ્લીકેટ પ્રશ્ન પત્રો કે તેના ઉતરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં લેવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડી.પી.ચૌહાણ, કચ્છ-ભુજ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ મુજબ પ્રતિબંધો ફરમાવ્યા છે. જેમાં આ પ્રતિબંધો શહેરની ૧૬ શાળાઓ, હાઈસ્કૂલોની ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં તા.૨૩/૦૬/૨૦૨૫ના સવારના ૬ થી તા.૦૩/૦૭/૨૦૨૫ના રાતના ૮ વાગ્યા સુધી અમલમાં રહેશે.જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા.પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ પોલીસ કર્મચારીઓ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા (રસીદ) હોય તે ચકાસીને જ પરીક્ષાર્થીને પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રોના સંપાદકશ્રીઓ, બિલ્ડીંગના કન્ડકટરશ્રી, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખકાર્ડ આપવામાં આવેલ છે તે તપાસીને પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્ર/બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં અને પરીક્ષા કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં, ગલીમાં કોઇપણ વ્યક્તિએ વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લુટૂથ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઈલેકટ્રોનિકસ સાધનો લઇ જવા નહીં તથા મ્યુઝિક, સંગીત ઈત્યાદી જોરથી વગાડવું નહીં.આ હુકમ અન્વયે પોતાના અંગત ઉપયોગ માટે કોપીઈંગ મશીનનો વપરાશ કરતી વ્યક્તિઓને, પોતાની ફરજની રૂએ કામ કરતી વ્યક્તિને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.



