મહારાણા સાંગા પર ટીપ્પણીનો વિવાદ:સાંસદ રામજીલાલ સુમનના વિવાદિત નિવેદન સામે ભરૂચમાં કરણી સેનાનો વિરોધ, કલેક્ટર કચેરી આગળ પૂતળાદહન
સમીર પટેલ, ભરૂચ
સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિયોમાં વિરોધ ફેલાઈ ગયો છે.જેના વિરોધમાં સમગ્ર દેશમા કરણી સેના દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કરણી સેના દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વિરોધ
પ્રદર્શન યોજી સાંસદના પૂતળાનું દહન કર્યું હતું.
ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને પ્રતાપી રાજા મહારાણા સાંગા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું.જેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે ભરૂચ ક્ષત્રિય કરણી સેના દ્વારા પણ ભરૂચ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.જેમાં કરણી સેના દ્વારા સાંસદ રામજી લાલ સુમનના વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું.ત્યાર બાદ સાંસદના પૂતળાનું દહન કરાયું હતું.કરણી સેનાના આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ બાબતે સાંસદ માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાંસદ સુમનનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહેતા સાંભળવા મળે છે કે રાણા સાંગા એક ‘દેશદ્રોહી’ હતા,જેણે બાબરને ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે બોલાવ્યો હતો. આ ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો.