GUJARATKUTCHMANDAVI

કપાસમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાનાં પગલા સૂચવવામાં આવ્યા.

કપાસમાં નવો સુકારો અથવા પેરાવિલ્ટના આગોતરા નિયંત્રણ માટે કપાસનું વાવેતર નિકપાળાં પદ્ધતિથી કરવું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-06 જૂન  : કપાસમાં જોવા મળતાં વિવિધ પ્રકારના રોગની રોકથામ માટે ખેડૂતો વાવણી પહેલાં કે વાવણી સમયે સંકલિત વ્યવસ્થાપન કરીને પાકને નુકસાન થતું બચાવી શકાય છે.કપાસના પાકમાં થતાં રોગોના સંકલિત વ્યવસ્થાપનના જરૂરી પગલા જેવાા કે, લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ જાળવી વપરાશ કરવો. લીલો પડવાશ, છાણિયું ખાતર હેકટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ૨ ટન/ હે અથવા એરંડીના ૫૦૦ કિગ્રા ખોળમાં ૪ કિગ્રા ટ્રાઈકોડર્મા હારજીયાનમનું મિશ્રણ અથવા ટ્રાયકોડર્મા વિરીડી @ ૨.૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ૧૦૦ કિલોગ્રામ છાણીયા ખાતર સાથે મિશ્ર કરી વાવણી સમયે ચાસમાં જમીનમાં ભેજ હોય ત્યારે આપવાની ભલામણ છે. કપાસમાં નવો સુકારો અથવા પેરાવિલ્ટના આગોતરા નિયંત્રણ માટે હલકી જમીનમાં કપાસનું વાવેતર નિકપાળાં પદ્ધતિથી પાળા ઉપર કરવું તથા જમીનમાં સેન્દ્રીય ખાતરો પૂરતા પ્રમાણમાં આપવા જોઈએ. આંતર પાક તરીકે મઠ અથવા અડદનું વાવેતર કરવું તેમજ સુકારાના નિયંત્રણ માટે મકાઈને આંતર પાક તરીકે વાવવો જરૂરી છે. કપાસમાં સુકારાના અસરકારક નિયંત્રણ માટે મકાઈ, જુવાર, રાઇડો અથવા બાજરીની ફેરબદલી કરવી. વાવણી સમયે બીજને ટ્રાયકોડર્મા હારજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વિરીડી જેવા જૈવિક ફુગ નિયંત્રકનો (૧૦ ગ્રામ/ કિલો) પટ આપી વાવેતર કરવું અથવા બીજને કાર્બોકઝીન ૩૭.૫%+ થાઈરમ ૩૭.૫% ડીએસનાં મિશ્રણનો ૩.૫ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપી વાવેતર કરવું.

કપાસમાં ખૂણીયા ટપકાં અથવા કેમ્પેટ્રીસ રોગ બીજ જન્ય હોવાથી બીજ માવજથી અટકાવી શકાય છે જેથી બીજની રુવાટી દૂર કરવી. એક કિલોગ્રામ બીજમાં ૧૦૦ મિલી ગંધકનો તેજાબ નાખી ૨-૩ મિનિટ સતત હલાવતા રહેવું ત્યારબાદ બીજને પાંચથી છ વખત સાદા પાણીમાં ધોઈ ત્યારબાદ પારાયુક્ત દવાઓ (એગ્રોસાન, સેરેસાન,ઇમિસાન) પૈકી એક દવાનો ૨-૩ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ મુજબ પટ આપવો અથવા સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું.વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબાર યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!