
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
રાજ્યભરના ખેડૂતોના હિત માટે મોટા ટ્રેક્ટરની ખરીદી પર સબસીડીમાં વધારો કરવા તેમજ કૃત્રિમ ખાતરોના બજાર ભાવ ઘટાડવા અથવા સબસીડી આપવાની માંગ સાથે સામાજિક આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને કૃષિ સચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.હાલમાં ખેતીવાડી ક્ષેત્રે નવા નાણાકીય વર્ષ માટે સબસીડી યોજનાઓનું પોર્ટલ ખુલવાનું છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ યોજનાઓ ઉપલબ્ધ થવાની છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતોને મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર બંને માટે ₹1,25,000 ની સબસીડી નક્કી કરવામાં આવી છે.આ અંગે ડો. નિરવ ભુલાભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મિની ટ્રેક્ટર માટે નક્કી કરાયેલી સબસીડી યોગ્ય ગણાય, પરંતુ મોટા ટ્રેક્ટરની કિંમત ઘણી વધુ હોવા છતાં તેની સબસીડી પણ સમાન રાખવામાં આવી છે. ખાસ કરીને નાના, છેવાડાના, આદિવાસી અને એસસી વર્ગના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ હજુ નબળી હોવાના કારણે તેમને મોટા ટ્રેક્ટર ખરીદવામાં મુશ્કેલી પડે છે. તેથી આવા ખેડૂતોને વધુ સબસીડી આપવામાં આવે તો તેઓ યોગ્ય કૃષિ સાધનો ખરીદી વધુ સારી ખેતી કરી શકે.
આ ઉપરાંત ખેડૂતોની માંગ મુજબ DAP, સલ્ફેટ, પોટાશ તેમજ અન્ય મિક્સ ખાતરો જેનો બજાર ભાવ હાલમાં લગભગ ₹1400 થી ₹1600 સુધી પહોંચ્યો છે, તેમાં ઘટાડો કરવામાં આવે અથવા નાના, છેવાડાના, આદિવાસી અને એસસી ખેડૂતોને ખાતર પર વિશેષ સબસીડી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
હાલના મોંઘવારીના સમયમાં અને કમોસમી વરસાદ સહિત અનેક પરિસ્થિતિઓને કારણે ખેતીમાં થતા સતત નુકસાનને ધ્યાનમાં રાખી સરકાર ખેડૂતોને રાહત આપશે તો ખેતીનું ભારણ ઓછું થઈ ખેડૂતો વધુ સક્ષમ રીતે ખેતી કરી શકશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




