દાહોદ સબ જેલમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી બંદિવાનો માટે દહીં-હાંડી હરીફાઈનું આયોજન કરાયું

તા.૦૪.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સબ જેલમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી બંદિવાનો માટે દહીં-હાંડી હરીફાઈનું આયોજન કરાયું
દાહોદ સબ જેલ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જેલમાં રહેલા બંદિવાનોમાં હકારાત્મકતા, ભાઈચારો અને ઉત્સાહનું વાતાવરણ સર્જાય તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ સાથે દહીં-હાંડી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.દહીં-હાંડી હરીફાઈમાં જેલના બંદિવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હરીફાઈને રસપ્રદ બનાવવા માટે દહીં-હાંડીથી થોડે અંતરે બંદિવાનોને એક પછી એક તક આપવામાં આવતી હતી. જેલ અધિક્ષક શ્રી એમ.એલ. ગમારા દ્વારા બંદિવાનોના નામની ચીઠ્ઠી ઉપાડવામાં આવતી હતી. જે બંદિવાનનું નામ ચીઠ્ઠીમાં નીકળે, તેને આંખે પટ્ટી બાંધી તથા હાથમાં ‘કૃષ્ણ લાઠી’ આપી દહીં-હાંડી ફોડવા માટે મોકલવામાં આવતો હતો.આ દરમિયાન હરીફાઈનો સૌથી રસપ્રદ માહોલ જોવા મળ્યો હતો. બંદિવાનોના અલગ-અલગ જૂથો પોતાના સાથી બંદિવાનને દહીં-હાંડી તરફ આગળ વધવા માટે જોરશોરથી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા હતા. જ્યારે હરીફ જૂથના બંદિવાનો તેને ગેરમાર્ગે દોરવા માટે અલગ દિશામાં જવાના સૂચનો આપતા હતા. જેના કારણે સમગ્ર હરીફાઈ દરમિયાન હાસ્ય, ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું.દહીં-હાંડી ફોડવાની આ રમતમાં બંદિવાનો દ્વારા “હાથી ઘોડા પાલકી, જય જશોદા લાલ કી” જેવા જયઘોષ કરવામાં આવ્યા હતા. સમગ્ર જેલ પરિસરમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.હરીફાઈ પૂર્ણ થયા બાદ વિજેતા બંદિવાનને વધાવી લેવામાં આવ્યો હતો અને તેની હિંમત તથા ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો.જેલ પ્રશાસન દ્વારા આવા તહેવારોની ઉજવણી અને રચનાત્મક પ્રવૃત્તિઓના આયોજનનો હેતુ બંદિવાનોમાં સકારાત્મક વિચારસરણી, સહભાગિતા, ભાઈચારો તથા માનસિક પ્રસન્નતા વધારવાનો છે. જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલી આ દહીં-હાંડી હરીફાઈ બંદિવાનો માટે આનંદ અને ઉત્સાહનો યાદગાર પ્રસંગ બની રહી હતી



