AHAVADANG

આહવા ખાતે “ગાંધી અને તેના રચનાત્મક કાર્યો”અને“યુવાનોનું સામાજીક દાયિત્વ”વિષય અંગે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સરકારી વિનયન અને વાણિજય કોલેજ-આહવા ખાતે આચાર્ય ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ, સપ્તધારાની સામુદાયિક સેવા ધારા અને જ્ઞાનધારા અંતર્ગત તા.૧૮મી સપ્ટેમ્બરના રોજ “ગાંધી અને તેના રચનાત્મક કાર્યો” અને “યુવાનોનું સામાજીક દાયિત્વ” અંગે વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોલેજના સ્ટાફ સહિત ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સરકારી વિનયન કોલેજ, વાવ ના આચાર્ય ડૉ.હર્ષદભાઈ પરમાર અને સરકારી વિનયન અને વાણિજય કોલેજ, જાદરના આચાર્ય ડૉ.કે.જી.પટેલ મુખ્ય મહેમાન અને વ્યાખ્યાતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય ડૉ.કે.જી.પટેલ દ્વારા “ગાંધી અને તેના રચનાત્મક કાર્યો” અંગે અને સ્વચ્છતા અંગે મહાત્મા ગાંધીજી દ્વારા જે ઉત્કૃષ્ઠ કાર્યો કરવામાં આવ્યા હતા તે અંગે ગાંધીજીના ઉદાહરણ આપી જીવનમાં રચનાત્મક કાર્યો અને સ્વચ્છતા હોય તો જ પોતાના પરિવારનું અને આખા વિશ્વમાં કલ્યાણ થાય તેમ જણાવી સમજુતી આપી હતી.
ભારત સરકાર દ્વારા અને માય ભારત પોર્ટલ દ્વારા જે સ્વચ્છતા અંગે મુહિમ ચલાવવામાં આવી રહી છે તે મુહિમને આપણે ઉપાડીને પોતાના ઘરમાં, ગામમાં, તાલુંકામાં અને જિલ્લામાં સ્વચ્છતા જળવાય અને લોકો સ્વચ્છતાના પગલે ચાલે તે માટે પ્રયાસો કરી પર્યાવરણની જાળવણીમાં પોતાનું યોગદાન આપી ભારત દેશને સ્વચ્છ ભારત બનાવવામાં આગળ આવે તેવા સંકલ્પો લેવામાં આવ્યા હતાં.
આચાર્ય ડૉ.હર્ષદભાઈ પરમાર દ્વારા પણ “યુવાનોનું સામાજીક દાયિત્વ” શું છે તે અંગે પોતાના વિચારો રજુ કરી યુવાનો સમાજમાં પોતાનું દાયિત્વ સમજે અને સમાજનો ઉત્કર્ષ થઈ શકે છે અને વ્યક્તિ ત્યારે જ સારુ, સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકે, માટે દરેકે આ ઉત્તમ કાર્યમાં જોડાવું જોઈએ તેમ જણાવ્યું હતું.
કોલેજના આચાર્ય ડૉ.યુ.કે.ગાંગુર્ડે દ્વારા પણ વિદ્યાર્થીઓને આ સમાજ સેવાના ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપે અને પોતે તેમજ આખા વિશ્વને ઉજળું બનાવે તે માટે હંમેશા તત્પર રહી આગળ વધે તેવા આશીર્વચન આપ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સપ્તધારાના કો-ઓર્ડિનેટર ડૉ.હરેશભાઈ વરુ અને સભ્યો તેમજ સામુદાયિક સેવા ધારાના કો-ઓર્ડિનેટર ડૉ.જયેશભાઈ એલ.ગાવિત અને પ્રા.ઉમેશભાઈ હડસ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!