
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતના એકમાત્ર પ્રાકૃતિક અને મનોહર પ્રવાસન ધામ એવા ડાંગ જિલ્લામાં વીજ કંપનીઓની ઘોર બેદરકારી સામે આવી છે.દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) અને જેટકો (GETCO)ની લાપરવાહીના કારણે સમગ્ર ડાંગ જિલ્લો અંધારપટમાં ગરકાવ થઈ ગયો છે, જેને પગલે સ્થાનિક સામાન્ય જનતા સહિત પ્રવાસન ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે.હાલ ઉનાળાની કાળઝાળ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે,તેવામાં કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના ગમે ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જતાં લોકો અકળાઈ ઉઠ્યા છે.ખાસ કરીને ગુજરાતના જાણીતા ગિરિમથક સાપુતારા સહિત જિલ્લાના રિસોર્ટ અને હોટલ સંચાલકોમાં વીજ કંપનીઓની આ પ્રકારની નીતિ સામે ભારે રોષ ફેલાયો છે.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા તથા તેના તળેટીના વિસ્તારોમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. આવા પીક-અવર્સ (મહત્વના સમયે) દરમિયાન જ વીજ કંપની દ્વારા કોઈપણ પ્રકારની એડવાન્સ નોટિસ કે પૂર્વ સૂચના આપ્યા વિના અચાનક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.શનિ-રવિની રજાઓમાં કમાણીની આશા રાખતા હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, નાના-મોટા વેપારીઓ અને ત્યાં ફરવા આવેલા પ્રવાસીઓ આ અંધારપટને કારણે ભારે હાલાકીનો ભોગ બન્યા હતા.મળતી માહિતી મુજબ, આજરોજ બપોર બાદ અંદાજે 3 વાગ્યાના અરસામાં સમગ્ર વિસ્તારની વીજળી અચાનક ગુલ થઈ ગઈ હતી,જેને પગલે ભારે હાહાકાર મચી ગયો હતો. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અકળાયેલા સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ જ્યારે જી.ઈ.બી. (GEB)ની કચેરીએ પૂછપરછ કરી, ત્યારે કર્મચારીઓ તરફથી એવો ઉડાઉ જવાબ મળ્યો હતો કે,“ઉપરથી જ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.” આ જવાબને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કે જો ખરેખર ઉપરના સ્તરેથી વીજ પુરવઠો બંધ કરાયો હોય, તો ગ્રાહકોને અંધારામાં રાખીને લેવાયેલા આ નિર્ણયની જવાબદારી આખરે કોણ લેશે?સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ડાંગ જિલ્લામાં વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે.વીજ પુરવઠામાં સતત થતા આ વિક્ષેપના કારણે ઘરગથ્થુ ગ્રાહકોના ઈલેક્ટ્રોનિક ઉપકરણો બગડી રહ્યા છે, જ્યારે નાના વેપારીઓ અને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન પ્રવાસન ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જનતાનો આક્ષેપ છે કે, વીજ કંપનીઓ દર મહિને ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાના લાઈટબિલ અને ફિક્સ ચાર્જ વસૂલ કરે છે, પરંતુ જ્યારે સંતોષકારક સેવા આપવાની વાત આવે છે ત્યારે તે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.હાલમાં GETCOની ટ્રાન્સમિશન લાઈનમાં ફોલ્ટ હોવાનું બહાર આવ્યુ છે.જેમાં
લોકોના વધતા આક્રોશ અને તપાસ બાદ આખરે વીજ કંપની તરફથી સત્તાવાર વિગત સામે આવી હતી કે, GETCO (જેટકો)ની 66 KV ની મુખ્ય ટ્રાન્સમિશન લાઇનમાં અચાનક મોટો ટેકનિકલ ફોલ્ટ સર્જાયો છે. આ ફોલ્ટના કારણે જ સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.હાલની સ્થિતિએ જેટકોના ટેકનિકલ સ્ટાફ દ્વારા લાઈનમાં કઈ જગ્યાએ ખામી સર્જાઈ છે તે શોધવા માટે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોલ્ટનું ચોક્કસ લોકેશન મળી આવ્યા બાદ તેનું તાત્કાલિક નિરાકરણ લાવી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે.ત્યારે સ્થાનિક નાગરિકો, હોટલ એસોસિએશન અને વેપારી મંડળોએ વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની અને જેટકો આ અવારનવાર સર્જાતી ટેકનિકલ ખામીઓનો કોઈ કાયમી અને નક્કર ઉકેલ લાવે. સાથે જ ભવિષ્યમાં પૂર્વ સૂચના વગર વીજ પુરવઠો કાપવાની આ જોહુકમી ભરેલી પ્રથા બંધ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યા હલ નહીં થાય, તો ઉગ્ર જનઆંદોલન અને આક્રોશ ફાટી નીકળવાની શક્યતા નાકારી શકાતી નથી.હાલ તો ડાંગની જનતામાં એક જ સવાલ ગુંજી રહ્યો છે: “વીજળી બંધ કરવાના આદેશો કોણ આપે છે? અને તેના કારણે જનતા તથા પ્રવાસન ઉદ્યોગને થતા આર્થિક-માનસિક નુકસાનની જવાબદારી આખરે કોની ?”.




