AHAVADANG

ડાંગ જિલ્લાના ખેડૂતોને ‘ખેત બચાવ અભિયાન’ અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ખેડૂતોને જમીનની તંદુરસ્તી જાળવવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન. કૃ. યુ. વઘઈ દ્વારા “ખેત બચાવ અભિયાન” અંતર્ગત વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત સરકાર દ્વારા ૧ જૂનથી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવનાર “ખેત બચાવ અભિયાન”ના ભાગરૂપે ૧ અને ૨ જૂનના રોજ આંબાપાડા અને બોરપાડા ગામોમાં ખેડૂતો માટે જાગૃતિ અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન) ડૉ. જેની એચ. લાલવાણીએ ખેત બચાવ અભિયાનના ઉદ્દેશો તેમજ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ખરીફ ઋતુ દરમિયાન ખેડૂતો દ્વારા અપનાવવાની જરૂરી ખેતી પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે શ્રી રાકેશ પટેલે જમીનની તંદુરસ્તી જાળવવાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવા માટે લીલા પડવાસ પાકોનો વધુ ઉપયોગ કરવો જરૂરી છે. સાથે જ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોને અપનાવી ખેડૂતો વધુ ટકાઉ અને ખર્ચ બચતવાળી ખેતી તરફ આગળ વધી શકે છે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ આગળ વધવા અને જમીનની ઉર્વરાશક્તિ જાળવવા અપીલ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!