
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ દિવસે જ મેઘરાજાએ દસ્તક આપી હતી.સોમવારે મોડી રાત્રે જિલ્લાના આહવા, વઘઈ, સુબીર, સાપુતારા, પૂર્વ પટ્ટી સહિત સરહદીય વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો.વરસાદ સાથે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ નુકસાન પણ નોંધાયું હતુ.જેમાં આહવા તાલુકાનાં ખેર્યા ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ પર લગાવવામાં આવેલા પતરા ભારે પવનના કારણે ઉડી જતા શાળાને ભારે નુકસાન થયુ હતુ.વાવાઝોડાની અસર એટલી પ્રચંડ હતી કે શાળાના તમામ પતરા જમીનદોસ્ત થઈ ગયા હતા,જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે.વઘઈ તાલુકામાં વઘઈ-આહવા રાજ્ય ધોરીમાર્ગ પર પીંપરી ગામ નજીક એક વિશાળ સાઇનબોર્ડ માર્ગ પર ધરાશાયી થયુ હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો ગિરિમથક સાપુતારા ખાતે પણ વાવાઝોડાએ તારાજી સર્જી હતી.પ્રવાસન સ્થળોના કેટલાક વિસ્તારોમાં મધ્યમ કદના વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે અવરજવર પ્રભાવિત થઈ હતી.મોડી રાત્રે પડેલા વરસાદથી લાંબા સમયથી તપ્ત બનેલી ધરાને રાહત મળી હતી.વરસાદ બાદ મંગળવારે સવારે સમગ્ર ડાંગ જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને હવામાન આહલાદક બન્યું હતુ.હાલમાં ઉનાળુ વેકેશનનો અંતિમ સપ્તાહ ચાલી રહ્યો હોવાથી આહલાદક વાતાવરણનો આનંદ માણવા માટે સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.વરસાદ અને ઠંડકભર્યા માહોલને કારણે પ્રવાસન સ્થળોએ પણ ભારે ચહલપહલ જોવા મળી હતી.સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી..




