AHAVADANG

ડાંગ જિલ્લાના ગુંદિયા ગામે મધ્યાહન ભોજન ભરતીમાં ગેરરીતિના આક્ષેપો સાથે કલેક્ટરમાં ફરિયાદ.

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

પેટા:-ગેરલાયક ઉમેદવારની નિમણૂક મામલે કલેક્ટરને ફરિયાદ, નિયમોનો ભંગ અને એક જ કુટુંબને લાભ મળ્યાનો આક્ષેપ..

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ગુંદિયા ગામે મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકની ભરતી પ્રક્રિયા મુદ્દેનો વિવાદ દિવસેને દિવસે ગાઢ બનતો જઈ રહ્યો છે.ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને નિયમોના ભંગના ગંભીર આક્ષેપો સાથે અરજદારે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી છે.મળતી માહિતી મુજબ, વર્ષ 2025-26 માટે આહવા તાલુકામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી.જેમાં ગુંદિયા ગામે સંચાલકની જગ્યાની ભરતી પૂર્ણ થયા બાદ અનિતાબેન મોહનભાઈ બંગાળને નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો.આ નિમણૂકને ગેરલાયક ગણાવી અરજદારે તા. 09/07/2025ના રોજ પ્રાંત અધિકારી, ડાંગ-આહવા સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.તેમજ તેની નકલ મામલતદાર આહવા સહિત સંબંધિત અધિકારીઓને પાઠવી હતી.તેમ છતાં, રજૂઆત પર કોઈ કાર્યવાહી થાય તે પહેલાં જ મામલતદાર આહવા દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવ્યો હોવાનું અરજદારે ફરિયાદમાં જણાવ્યું છે.જેના કારણે સમગ્ર ભરતી પ્રક્રિયા અંગે શંકા ઊભી થઈ છે. અરજદારના જણાવ્યા મુજબ, આજદિન સુધી તેમની અરજી પર કોઈ સત્તાવાર જવાબ કે તપાસ હાથ ધરાઈ નથી.

અરજદારે વધુમાં આક્ષેપ કર્યો છે કે ભરતી પ્રક્રિયામાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ (ક્રમાંક: મભય/102016/415141/આર, તા. 03/10/2016) મુજબની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી.ખાસ કરીને, એક જ કુટુંબમાંથી માત્ર એક વ્યક્તિને જ નિમણૂક આપવાની શરતનો ભંગ થયો હોવાનું તથા ગરીબી રેખા હેઠળના લાભાર્થીને પ્રાથમિકતા આપવાના નિયમની અવગણના કરવામાં આવી હોવાનું જણાવાયું છે.આ સમગ્ર મામલે અરજદારે ભરતી પ્રક્રિયાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે ગેરરીતિમાં સંડોવાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ફરિયાદને કારણે તંત્રમાં પણ ચકચાર મચી છે અને અધિકારીઓમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.અરજદારે ચેતવણી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ ન્યાયાલયનો દરવાજો ખટખટાવશે. હાલ સ્થાનિક સ્તરે આ મુદ્દે ચર્ચાઓ તેજ બની રહી છે અને લોકોમાં ભરતી પ્રક્રિયાની પારદર્શકતા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર આક્ષેપોને લઈ શું પગલાં ભરે છે..

Back to top button
error: Content is protected !!