વાત્સલ્યમ સમાચાર – મદન વૈષ્ણવ
- આહવા આકાશવાણી ખાતે ૭ ઇજાગ્રસ્ત થયેલા લોકોને ત્વરિત સિવિલ હોસ્પિટલ ખસેડાયા:*
*ડાંગના મુખ્ય મથક આહવા ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઇ:*
*’ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત ડાંગના આહવા ખાતે મોકડ્રિલ પૂર્ણ*
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા આકાશવાણી કેન્દ્ર ખાતે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ડ્રોન હુમલો થયો હતો. જેની જાણ જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોનથી જાણકારી મળી હતી. જેના પગલે સાઈરન ગુંજી ઉઠતા ડ્રોન હુમલો (એર રેડ) થયો હોવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી.
સાઇરનના સંકેત મળતાની સાથે ડાંગ જિલ્લાના નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા. જિલ્લાના આકાશવાણી કેન્દ્ર ઉપર એર રેડ/હવાઈ હુમલાની જાણકારી મળતા સમગ્ર ડાંગ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા, ડીવાયએસપી શ્રી એસ. જી. પાટીલ તેમજ સુરક્ષા કર્મીઓ ત્વરિત ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.
ગણતરીની મિનિટોમાં જ ફાયર ફાયટરની ટીમો, તથા સિવિલ ડિફેન્સની ટીમો, એમ્બ્યુલન્સ વિગેરે આકાશવાણી કેન્દ્ર ખાતે આવી પહોચી હતી. અહિં ડાંગ જિલ્લા પોલીસ, આરોગ્યની ટીમ અને આપદા મિત્રોની મદદથી મકાનમાં ૪૦ જેટલા અધિકારી, કર્મચારીઓએ ત્વરીત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. જેમાં ૭ જેટલા કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇમર્જન્સીના ભાગરૂપે ઇજાગ્રસ્તોને આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે, તેમજ રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને સરકારી માધ્યમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત તેમજ આશ્રય સ્થાને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી. અને આ જગ્યાઓ પર પૂરતો પોલિસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
નોંધનિય છે કે, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજ રોજ ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે ડાંગ જિલ્લામાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ યોજાઇ હતી. “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રિલનો આ પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે ૮.૦૦ થી ૦૮.૨૦ કલાક સુધી નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધાર પટ (બ્લેક આઉટ) કરવામાં આવશે. તથા સાંજે ૮ કલાકે ૦૨ મિનિટ સુધી એક સરખી તીવ્રતાથી સાયરન વગાડી હવાઈ હુમલાની મોકડ્રીલ પૂર્ણ થવાના સંકેત આપવામાં આવશે.