
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને કુદરતી સૌંદર્યની સાથે મનોરંજન મળી રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઋતુ તથા તહેવારો આધારીત જુદા જુદા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. હાલમાં જ ત્રણ દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા દ્વારા આયોજિત સાપુતારા દિવાળી વેકેશન ફેસ્ટિવલ-2025ને ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે.આ વેકેશન ફેસ્ટિવલનાં આયોજનથી સાપુતારામાં પ્રવાસીઓની ભીડ વધી છે.તેમજ સ્થાનિક અર્થતંત્રને વેગ સાંપડ્યો છે.હાલમાં પ્રવાસીઓ વેકેશન ફેસ્ટિવલને મનભરીને માણી રહ્યા છે,વેકેશન ફેસ્ટિવલ કાર્યક્રમ અંતર્ગત સાપુતારાના મેઇન સર્કલ અને મુખ્ય આકર્ષણ એવા ટેબલપોઇન્ટ ઉપર સ્ટેજ બનાવીને સ્થાનિક કલાકારો દ્વારા દરરોજ પ્રવાસીઓને ડાંગી નૃત્ય, મુખોટા અને પારંપરિક વાદ્ય સંગીત થકી મનોરંજન પિરસવામાં આવે છે.વહીવટદાર નોટીફાઇડ એરિયા સાપુતારા અને કલેક્ટર શાલિની દુહાનનાં માર્ગદર્શન હેઠળ ચાલતા આ કાર્યક્રમમાં ત્રીજા દિવસે ડાંગ જિલ્લાના સ્થાનિક કલાકારોની કૃતિઓ મુખ્ય કાર્યક્રમમાં રજુ કરતા ડાંગી કલાકારોએ પ્રવાસીઓને ભારે મોજ કરાવી હતી.વેકેશન ફેસ્ટિવલમાં સ્થાનિક કલાકારોનો સમાવેશ ખુબ સારી રીતે કરવામાં આવેલ હોવાથી, સ્થાનિક રોજગારને પ્રોત્સાહન મળતા, સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી છે.દિવાળીપર્વ બાદ સાપુતારા ખાતે પ્રવાસીઓની સંખ્યા નહીવત્ થઇ જતી હોય છે,જેથી ડાંગ કલેક્ટર શાલિની દુહાનનાં દુરંદેશીપણાથી સાપુતારા વેકેશન ફેસ્ટિવલનું આયોજન દિવાળી બાદ કરવામાં આવતા, પ્રવાસીઓનો ધસારો યથાવત્ રહેતા, સાપુતારા હોટલ ઓનર્સ એશોસિએશન,રિસોર્ટ એસોસિએશન દ્વારા પણ આ આયોજનને વખાણવામાં આવ્યું છે.ડાંગ વહીવટીતંત્રનાં નોટીફાઇડ એરિયા સાપુતારા દ્વારા કોરોનાકાળ બાદ પ્રથમ વખત આવા ફેસ્ટિવલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવતા, સાપુતારા હોટલ ઓનર્સ એશોસિએશન દ્વારા ડાંગ જિલ્લા કલેકટર શાલિની દુહાનને પત્ર લખી સાપુતારા વેકેશન ફેસ્ટિવલ-2025નાં સફળ આયોજન માટે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યકત કરવામાં આવી છે.




