વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં ડિગ્રી વગરના બોગસ ડોકટરો દ્વારા તબીબ તરીકેની સેવા આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.જોકે વહીવટી તંત્ર દ્વારા ગણતરીનાં બોગસ ડોકટરો સામે જ કાર્યવાહી કરવામાં આવેલ છે.જેથી તમામ બોગસ ડોકટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ અને સુબિર તાલુકાનાં અનેક વિસ્તારમાં ડિગ્રી વગરનાં ડોક્ટરો દ્વારા તબીબી સેવા આપવામાં આવી રહી છે અને ગરીબ આદિવાસી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહી છે.ત્યારે તંત્રને અંધારામાં રાખીને ડાંગ જિલ્લામાં બોગસ દવાખાના પણ ચલાવવામાં આવી રહ્યા છે.જેથી ડાંગ જિલ્લામાં જેટલા દવાખાના છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે.ત્યાર પછી હોસ્પિટલોની મંજૂરી ખરા અર્થમાં હોય તો તેને મંજૂરી આપવામાં આવે અને ગેરલાયકાત ધરાવતા ડોક્ટરોને તથા તેમના હોસ્પિટલોને સીલ કરવામાં આવે તેવી માંગ સાથે બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેક્ટરને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.તેમજ આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આમરણ ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.હાલમાં થોડા દિવસ પૂર્વે આમ આદમી પાર્ટી દ્વારા સુબિર તાલુકામાં બોગસ ડોક્ટરો અંગે આવેદનપત્ર આપ્યુ હતુ.જે સંદર્ભે ડાંગ પોલીસ દ્વારા સુબિર ખાતે રેડ કરી ત્રણ જેટલા બોગસ ડોક્ટરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે આપ બાદ હવે બસપા પાર્ટી બોગસ ડોક્ટરો વિરુદ્ધ મેદાને ઉતરી છે.ત્યારે તંત્ર બોગસ ડોક્ટરો વિરુદ્ધ કેવા પગલા ભરશે તે સમય જ બતાવશે..