AHAVADANG

ડાંગ:વઘઇ નજીક આવેલ ગીરાધોધ ખાતે પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલો.! દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ?

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

પેટા:-ગીરાધોધ વઘઇ ખાતે ફરજ પર તૈનાત GRD અને હોમગાર્ડ જવાનો લારી-ગલ્લે બેસી સમય પસાર કરતા હોવાના આક્ષેપો,દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રવાસીઓ-સ્થાનિકોમાં રોષ..

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા વઘઈ નજીક આવેલો ગીરાધોધ ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી સૌંદર્યથી સોળે કળાએ ખીલી ઊઠે છે.ધોધના મનમોહક નજારાની મજા માણવા માટે હાલ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જોકે, પ્રવાસીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા GRD તથા હોમગાર્ડના જવાનોની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.પ્રવાસીઓની સુરક્ષા માટે સુરક્ષા કર્મચારીઓને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હોવા છતાં તેઓ પોતાની ફરજ બજાવવાના બદલે લારી-ગલ્લાઓ પર બેસીને સમય પસાર કરતા હોવાના આક્ષેપો પ્રવાસીઓ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.જો પ્રવાસીઓની ભીડ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ કે મોટી દુર્ઘટના સર્જાય અને તે સમયે સુરક્ષા કર્મચારીઓ પોતાની ફરજ પર સક્રિય ન હોય તો તેની જવાબદારી કોની રહેશે? તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે.ચોમાસાની ઋતુમાં ગીરાધોધ ખાતે પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. ધોધ તેમજ તેની આસપાસનો વિસ્તાર વરસાદ દરમિયાન લપસણો અને જોખમી બની જતો હોવાથી અહીં પ્રવાસીઓની સુરક્ષા માટે સતત તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.માત્ર સુરક્ષા કર્મચારીઓની નિમણૂક કરી દેવાથી તંત્રની જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ તેઓ ખરેખર ફરજ પર સક્રિય છે કે નહીં અને પ્રવાસીઓની સુરક્ષા માટે જરૂરી કામગીરી કરી રહ્યા છે કે નહીં તેની પણ નિયમિત દેખરેખ રાખવી જરૂરી છે.સ્થાનિકો અને પ્રવાસીઓની માંગ છે કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગીરાધોધની અચાનક મુલાકાત લેવામાં આવે અને સ્થળ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓની કામગીરીની વાસ્તવિક સ્થિતિની તપાસ કરવામાં આવે. ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે જવાબદારી નક્કી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.ગીરાધોધ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાને બદલે તંત્ર દ્વારા અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવે અને ફરજ પર તૈનાત કર્મચારીઓ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે તે માટે કડક સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.હાલમાં પ્રવાસીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનાં ચેડા ન થાય તથા ગીરાધોધ ખાતે તૈનાત સુરક્ષા કર્મચારીઓ ખરા અર્થમાં ફરજ બજાવે તે સુનિશ્ચિત કરવું હવે તંત્ર માટે અગત્યનું બન્યુ છે.ત્યારે આવનાર દિવસોમાં તંત્ર સાબદુ બને છે કે કેમ તે જોવુ જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!