
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પેટા શીર્ષક: “પ્રવાસીઓ રામભરોસે?” ઈમરજન્સી સમયે જીવ બચાવવાની રેસ્ક્યુ બોટ જ બંધ પડતાં બોટિંગ સંચાલકોની કામગીરી સામે સવાલો
ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળ સાપુતારાના સર્પગંગા તળાવમાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. તળાવમાં બોટિંગ દરમિયાન કોઈ અકસ્માત સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી માટે રાખવામાં આવેલી રેસ્ક્યુ બોટ જ ટેકનિકલ ખામીના કારણે ખોટકાઈ જતા બોટિંગ વ્યવસ્થા અને પ્રવાસીઓની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સર્પગંગા તળાવ ખાતે રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ, જેમાં બાળકો અને પરિવારોનો પણ સમાવેશ થાય છે, બોટિંગનો આનંદ માણે છે. આવા સંજોગોમાં ઈમરજન્સી રેસ્ક્યુ બોટ હંમેશાં સંપૂર્ણ રીતે કાર્યરત અને ફિટ હોવી અત્યંત જરૂરી છે. પરંતુ તાજેતરમાં રેસ્ક્યુ બોટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને કિનારે લાવી એન્જિન ઉતારી રિપેર કરવાની કામગીરી કરવાની ફરજ પડી હતી.
અકસ્માત થાય તો તાત્કાલિક બચાવ કેવી રીતે?
રેસ્ક્યુ બોટ ખોટકાઈ જવાની ઘટનાએ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો કર્યો છે કે બોટિંગ દરમિયાન કોઈ હોડી પલટી જાય, પ્રવાસી પાણીમાં પડી જાય અથવા ગંભીર અકસ્માત સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરાશે? રેસ્ક્યુ સાધન જ ઉપયોગમાં ન હોય તો ઈમરજન્સી સ્થિતિમાં કિંમતી સમય વેડફાઈ શકે છે.
તળાવ પરની આ સ્થિતિ જોઈને હાજર પ્રવાસીઓ અને સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી હતી. પ્રવાસીઓની સુરક્ષા માટેની વ્યવસ્થા માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક સ્થિતિમાં પણ સંપૂર્ણપણે સજ્જ હોવી જોઈએ તેવી માંગ ઉઠી છે.
બોટિંગ વ્યવસ્થાનું સઘન ચેકિંગ કરવાની માંગ
સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓએ નવનિયુક્ત ચીફ ઓફિસર સમક્ષ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. સાથે જ સર્પગંગા તળાવમાં ચાલતી તમામ બોટોની ફિટનેસ, એન્જિન, લાઈફ જેકેટ, સેફ્ટી સાધનો તથા રેસ્ક્યુ બોટની કાર્યક્ષમતાનું કડક ટેકનિકલ ચેકિંગ કરાવવા માંગ કરવામાં આવી છે.
નિયમિત મેન્ટેનન્સ અને સુરક્ષા ચકાસણીમાં બેદરકારી જણાય તો જવાબદાર સંચાલકો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. જરૂર પડે તો નિયમોનું ઉલ્લંઘન કરનારા સંચાલકો સામે લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવા સહિતના પગલાં ભરવા માટે લોકોમાં ઉગ્ર માંગ છે.
પ્રવાસન વિકાસ સાથે સુરક્ષા પણ પ્રથમ પ્રાથમિકતા બને
સાપુતારા ગુજરાતનું મહત્વનું પ્રવાસન કેન્દ્ર છે અને અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવાની સાથે પ્રવાસીઓની સુરક્ષા માટેની વ્યવસ્થા પણ 24 કલાક સજ્જ અને વિશ્વસનીય હોવી જરૂરી છે.
રેસ્ક્યુ બોટ જેવી જીવનરક્ષક વ્યવસ્થા જ ખોટકાય તે બાબતને તંત્ર ગંભીરતાથી લે અને ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે કડક સુરક્ષા પ્રોટોકોલ અમલમાં મૂકે તેવી માંગ ઉઠી છે. “પ્રવાસીઓના જીવ સાથે કોઈ સમાધાન નહીં” એવી સ્પષ્ટ નીતિ સાથે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી પ્રવાસીઓ અને સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે.



