વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*સાપુતારા ખાતે યોજાઇ રહેલા મોન્સુન ફેસ્ટિવલમાં પ્રવાસીઓની સુરક્ષાનાં સુવિધાનાં નામ પર મીંડુ..*
સાપુતારા ખાતે મેઘમલ્હાર પર્વમાં પધારી રહેલ રાજ્યનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શનિ રવિની રજાઓમાં સાપુતારા ઘાટમાર્ગમાંથી સામાન્ય વ્યક્તિ બની મુસાફરી કરે તો સામાન્ય પ્રજાની જેમ અસુવિધાનો સામનો કરવો પડશે..
ડાંગ જિલ્લાનાં ગીરીમથક સાપુતારા ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે.29મી જુલાઈનાં રોજ મુખ્યમંત્રીની હાજરીમાં તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે.પરંતુ આ સમગ્ર આયોજનમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને સુરક્ષાની સુવિધા આપવામાં પીછેહટ કરવામાં આવેલ હોય અને સુરક્ષા તથા ઘાટમાર્ગમાં સાધન સામગ્રી બાબતે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવવામાં આવેલ હોય તેવું જોવા મળી રહ્યું છે.ત્યારે મુખ્યમંત્રી દ્વારા આ મામલે પ્રવાસન વિભાગનાં ભ્રષ્ટ અધિકારીઓનાં કાન આમળવામાં આવશે કે નહીં તે પ્રશ્ન બની ગયો છે.ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા એ પોતાના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે.જેથી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓના મનોરંજન અર્થે ઋતુ આધારિત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે જે આવકારદાયક છે.સાથે વર્ષ 2009 બાદ હાલમાં પ્રથમ વખત મોન્સૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીનાં હસ્તે થનાર છે.જે ડાંગવાસીઓ તથા સાપુતારા માટે ગૌરવની બાબત છે.પરંતુ વર્ષ 2009થી આજ દિન સુધી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારા ખાતે ફેસ્ટિવલના નામ પર માત્ર તાઈફાઓ કરવામાં આવી રહ્યા હોય તેવું ફલિત થઈ રહ્યું છે.કારણ કે પ્રવાસન વિભાગ દ્વારા અગાઉથી કોઈ પણ જાહેરાત કર્યા વગર જ તાત્કાલિક આયોજન કરીને આ પ્રકારના ફેસ્ટિવલનું આયોજન કરી દેવામાં આવતુ હોય છે. ત્યારે પ્રવાસન વિભાગના અધિકારીઓ દ્વારા પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવા માટે જ ફેસ્ટિવલના નામ પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય તેવું જણાઈ રહ્યું છે.અહી ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓ માટે નહી પરંતુ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રીને ખુશ કરવાનું આયોજન કરવામાં આવેલ છે તેવુ જણાઈ આવે છે.અહી પ્રવાસન વિભાગ દ્વારા વહીવટી તંત્ર સાથે મળીને આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટેની કોઈપણ પ્રકારની સુવિધા કરવામાં આવેલ નથી.ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે મોન્સૂન ફેસ્ટિવલ શરૂ કરવામાં આવતા પ્રવાસીઓનો ઘસારો થતો જોવા મળે છે.જેથી સાપુતારાથી શામગહાનને જોડતા 10 કિમીનાં ઘાટ માર્ગમાં વાહન ચાલકોની સંખ્યામાં વધારો થતા અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે. તેવામાં વહીવટી તંત્ર પાસે અકસ્માતમાં બચાવ કામગીરી કરવા માટે ક્રેનની પણ સુવિધા ઉપલબ્ધ નથી.તેમજ સાપુતારાથી શામગહાનને જોડતા 10 કિલોમીટરના ઘાટ માર્ગમાં મેઘ મલ્હાર પર્વની જાહેરાત માટે તથા સાપુતારા ખાતે પધારી રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા ને ખુશ કરવા માટે ઠેર ઠેર લાખો રૂપિયાના ખર્ચે વાહ વાહીના બોર્ડ લગાવી દેવામાં આવેલ છે.જોકે આ બોર્ડ તો દસ પંદર દિવસમાં ફાટીને કચરાપેટી માં જવા લાયક થઈ જશે ત્યારે આ માત્ર નાણાનો વેડફાટ કરવામાં આવી રહ્યો હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીઓ દ્વારા બોર્ડ કે બેનરો લગાવવા પાછળ જેટલો ખર્ચ કર્યો છે તેટલો જ ખર્ચ જો પ્રવાસીઓની સુરક્ષા માટે કરવામાં આવે તો ઘણી ખરી અઘટિત ઘટના ટાળી શકાય તેમ છે. જો કે અધિકારીઓને તો પ્રજાના હિતમાં કાર્ય કરવામાં રસ જ ન હોય તેવું ફલિત થતું જોવા મળી રહ્યું છે.ત્યારે પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા કરવામાં ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીઓ સામે મુખ્યમંત્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.જોકે મુખ્યમંત્રી દ્વારા આ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ..