
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગારખડી હનુમાન મંદિરે સાધુ સંતો અને આગેવાનોનું સંમેલન, આરોપીને ઝડપી કડક સજાની માંગ..
ડાંગ જિલ્લાના ગારખડી ગામ નજીક આવેલ સીતાવન ખાતે ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાને લઈને હિન્દુ સમાજમાં રોષ હજુ પણ યથાવત જોવા મળી રહયો છે.આ ઘટનાના અજાણ્યા આરોપીને તાત્કાલિક ઝડપી કાયદેસરની કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે હિન્દુ સંગઠનો, સાધુ-સંતો અને આગેવાનો દ્વારા ગારખડી ગામના હનુમાન મંદિર ખાતે સંમેલન યોજાયુ હતુ.આ સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુસંતો, હિન્દુ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા સ્થળોની સુરક્ષા તથા શાંતિ જળવાઈ રહે તે માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.સંમેલનમાં ઉપસ્થિત ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, તેમના પૂર્વજો હળી-મળીને શાંતિપૂર્વક રહેતા આવ્યા છે, ત્યારે આવી ઘટના કેમ બની તે સમજાતું નથી. તેમણે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ તંત્ર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર વિશ્વાસ વ્યક્ત કરી આરોપી ઝડપાઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.ડાંગમાં 311 હનુમાન મંદિરોના નિર્માણનો સંકલ્પ કરનારા પી.પી. સ્વામીએ પણ ઘટનાના વિરોધમાં શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવાની વાત કરી હતી.તેમણે ધાર્મિક આસ્થાના સ્થળો સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જ્યારે ડાંગ જિલ્લાનાં શબરીધામનાં સંચાલકો સામે વાસુર્ણાનાં રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ આકરા પ્રહાર કર્યા હતા.આ સંમેલન દરમિયાન ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ શબરીધામના સંચાલકો અંગે પણ આકરા આક્ષેપો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે જણાવ્યું હતુ કે હિન્દુ ધર્મની સભામાં હાજર ન રહેતા કેટલાક સંતો માત્ર ભગવો ધારણ કરીને પૈસા કમાવાનું કામ કરે છે.સાથે જ શબરીધામ ખાતે અન્ય હિન્દુ સંગઠનોને હિન્દુત્વને લગતા કાર્યક્રમો યોજવા દેવામાં આવતા નથી તેવો પણ આક્ષેપ કર્યો હતો.રાજાના આ નિવેદનથી સંમેલનમાં ચર્ચા જાગી હતી. જોકે, શબરીધામના સંચાલકો તરફથી આ આક્ષેપ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવાની ઘટનાને લઈને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સાધુ-સંતો અને હિન્દુ આગેવાનોએ કાયદો હાથમાં લીધા વિના શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી આરોપીને વહેલી તકે ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ કાર્યક્રમમાં વિધાનસભા દંડક વિજયભાઈ પટેલ ડાંગના સાધ્વી પૂજ્ય યશોદા દીદી, RSS, વિશ્વહિન્દૂ પરિષદ ,ના આગેવાનો સહીત વિવિધ સંગઠન મંડળના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..



