AHAVADANG

આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોગ દિવસની ઉજવણી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકાઓમાં પણ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ તે જીવન જીવવાની ઉત્કૃષ્ટ કળા અને વિજ્ઞાન છે. તે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે સંતુલન પ્રદાન કરે છે. આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવનમાં નિયમિત યોગાભ્યાસ આપણને માનસિક શાંતિ, આત્મ-શિસ્ત, સંયમ અને આત્મ-જાગૃતિ શીખવે છે. યોગ આપણને આપણા શ્વાસ સાથે જોડીને વર્તમાન ક્ષણમાં જીવવાની કલા શીખવે છે, જે મનની એકાગ્રતા માટે અનિવાર્ય છે. જ્યારે ધ્યાન આપણને આંતરિક શાંતિ અને અખૂટ આત્મિક ઊર્જા પૂરી પાડે છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે જ આજે ભારતની પ્રાચીન યોગ વિદ્યા વૈશ્વિક જન-આંદોલન બની ચૂકી છે. આ વર્ષે વિશ્વ ૧૨મો યોગ દિવસ ઉજવી રહ્યું છે અને સાથે જ પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા અને સુશાસનના સફળ ૧૨ વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે, જે આપણા સ્વાસ્થ્ય અને રાષ્ટ્રના ગૌરવનો બેવડો ઉત્સવ છે, તેમ શ્રી વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી, માનસિક તણાવ અને બેઠાડુ જીવન માનવ સ્વાસ્થ્ય સામે મોટા પડકારો ઊભા કરી રહ્યા છે. આ પડકારોનો સામનો દવાઓથી નહીં, પણ દૈનિક યોગાભ્યાસથી જ શક્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “ઉંમર વધવી એ કુદરતી પ્રક્રિયા છે, પરંતુ બીમાર થઈને જીવવું કે બેસ્ટ થઈને જીવવું તે યોગ દ્વારા આપણા પોતાના હાથમાં છે.” યોગ એ દરેક વય, દરેક વર્ગ અને દરેક પરિવાર માટે અનિવાર્ય છે.ગામીતે વધુમાં જણાવ્યું હતું કે, પ્રકૃતિના ખોળે વસતા ડાંગ પાસે શુદ્ધ હવા અને ઓક્સિજનનો અખૂટ ખજાનો છે. આપણી પરંપરાગત જીવનશૈલી જ આપણને કુદરતી રીતે સ્વસ્થ રાખે છે, જેનું ઉત્તમ ઉદાહરણ કોરોના કાળ છે. જ્યારે આખું વિશ્વ કોરોનાથી થથરી રહ્યું હતું, ત્યારે ડાંગના નાગરિકો પોતાની પ્રકૃતિ અને રોગપ્રતિકારક શક્તિના જોરે સુરક્ષિત રહ્યા હતા. જો કે, આધુનિક સમયના નકારાત્મક બદલાવો આપણા સુધી ન પહોંચે તે માટે આપણે વધુ જાગૃત થવું પડશે.

આહવા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમમાં મહાનુભાવો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં યોગપ્રેમી ભાઈઓ અને બહેનોએ યોગાભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં યોગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-સાપુતારા ખાતે, વધઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન ખાતે, અને સુબીર તાલુકા કક્ષાનો કાર્યક્રમ નવજ્યોત શાળા-સુબીર ખાતે યોજવામાં આવ્યો હતો.

દરમિયાન, ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એન. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી. તબીયાર, નાયબ વન સંરક્ષક નીરજકુમાર, જિલ્લા સદસ્ય મંગળ ગાવિત  સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં યોગપ્રેમી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!