BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ઝઘડિયા દુષ્કર્મમાં દીકરી નિર્ભયાને મળ્યો માત્ર 72 દિવસમાં ન્યાય, દુષ્કર્મીને ફાંસીની સજા

સમીર પટેલ, ભરૂચ

આરોપી વિજય પાસવાને બાળકીનું અપહરણ કરી, બરબરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું, ગુપ્તાંગમાં સળિયાના ઘા સાથે વડોદરામાં 7 દિવસની સારવાર બાદ બાળકી જિંદગી હારી હતી, વિજય પાસવાનને ફાંસી સાથે 10 લાખનું વળતર ચૂકવવા અંકલેશ્વર સેશન્સ કોર્ટનો ચુકાદો, ભરૂચ SP મયુર ચાવડાએ SIT ની રચના કરી તપાસ તેમની દેખરેખમાં ચલાવી હતી, સરકારી વકીલ પરેશ પંડ્યાએ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણવા કોર્ટને અપીલ કરી હતી, 16 ડિસેમ્બર 2024 ના રોજ બાળકી લાકડા વિણતી હતી ત્યારે આરોપીએ અપહરણ કર્યું હતું

ઝઘડિયા દુષ્કર્મમાં દીકરી નિર્ભયાને 72 દિવસમાં ન્યાય મળવા સાથે અંકલેશ્વર સેશન્સ કોર્ટે અપહરણ, પાશવી દુષ્કર્મ અને હત્યાના આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણી બળાત્કારી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે.

ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDC માં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનને અંકલેશ્વરની સેશન્સ કોર્ટે મૃત્યુ દંડની સજાનો ચુકાદો શુક્રવારે આપ્યો છે.

ઝઘડિયા જીઆઈડીસીમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જઘન્ય અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો. શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાને લોખંડ વીણતી બાળકીનું અપહરણ કરી તેને દીવાલ પાછળ લઈ ગયો હતો. જ્યાં દુષ્કર્મ આચરી તેના ગુપ્ત ભાગે સળિયો પણ ઘુસાડી દીધો હતો.

મોડી સાંજે માતા દીકરીની શોધખોળ કરી રહી હતી ત્યારે મમ્મી મમ્મીનો અવાજ આવતા દીકરીને દીવાલ પાછળ લોહી લુહાણ હાલતમાં જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. અન્ય લોકોની મદદથી દીકરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાઇ હતી.

જ્યાંથી વડોદરા વધુ સારવાર માટે લો જવાય હતી. ઝારખંડ સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી. ગુજરાત સરકારે 11 તબીબોની ટીમને દીકરીને બચાવવા સારવારમાં ખડેપગે રાખી હતી. જોકે 30 જેટલી ગંભીર ઇજાઓ પોહચી હોય 7 દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું.

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં SIT ની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડી તમામ પુરાવાઓ એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી.

અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો. ચાર્જ ફ્રેમ થયાના 72 દિવસમાં જ આજે શુક્રવારે કોર્ટે રેરેસ્ટ ઓફ રેર ગણી દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ પીડિત પરિવારને 10 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

Back to top button
error: Content is protected !!