GUJARATKUTCHMUNDRA

મુન્દ્રાથી અંજાર અને ભુજ જતી બસો વાયા રતાડીયા થઇને ચલાવવા માંગ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.

રતાડીયા, તા.11: થોડા વર્ષો પહેલા મુન્દ્રાથી અંજાર અને ભુજ જતી બસો વાયા રતાડીયા થઇને ચલાવવામાં આવતી હતી. પરંતુ ખરાબ રસ્તાને કારણે કાળક્રમે આ રૂટો બંધ થઇ ગયા છે. હાલમાં રસ્તાનું નવીનીકરણ થઈ ગયું છે ત્યારે એસ.ટી. બસ ચાલુ કરવા માંગ કરાઈ છે.રતાડીયા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે જેમાં ગામના બાળકો ધોરણ 10 સુધી જ અભ્યાસ કરી શકે છે ઉચ્ચ અભ્યાસ માટે બહારગામ જવું પડે છે. ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આસપાસના 10 ગામના લોકો લાભ લે છે. ગામમાં વસતા જૈન લોકો ધંધાર્થે મુંબઈ વસવાટ કરે છે જેઓ પ્રસંગોપાત ગામમાં આવે છે. પરંતુ આ બધા માટે ગામમાં એસ.ટી. બસની સગવડતા જરૂરી છે.સરકાર દ્વારા વિદ્યાર્થીઓ, દર્દીઓ તથા વડીલો માટે અનેક લાભકારક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પણ વાહન વ્યવહારની અગવડતાને લીધે ગામ લોકો લાભથી વંચિત રહી જાય છે. મુન્દ્રાથી ગુંદાલા – મોખા ચોકડી થઈને અંજાર/ગાંધીધામ જતી બસો વાયા રતાડીયા (ગુંદાલા- રતાડીયા-મોખાચોકડી) થઈને ચલાવવામાં આવે તો ગામ લોકોને મુસાફરી કરવાની સગવડ મળી રહે અને ગુંદાલા – મોખા ચોકડી વચ્ચે આવેલ ટોલનાકામાં ભરવો પડતો ટેક્ષ બચતા જ ખર્ચમાં ઘટાડો થાય અને મુસાફરોના ભાડાની આવક વધે. એવી જ રીતે મુન્દ્રાથી ગુંદાલા- વિરાણીયા ચોકડી થઈને ભુજ જતી બસો પણ વાયા રતાડીયા (મુન્દ્રા-ગુંદાલા- રતાડીયા – વિરાણીયા ચોકડી – પત્રી -વાંકી -ભુજ) થઈને ચલાવવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે. તાજેતરમાં ગુંદાલા – રતાડીયા – મોખા ચોકડી તથા ગુંદાલા – રતાડીયા – વિરાણીયા ચોકડીનો રસ્તો નવો બની ગયો છે.તાજેતરમાં મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ બાબતે રતાડીયા ગામના યુવા આગેવાન વિશ્વરાજસિંહ ચંદ્રસિંહ જાડેજાએ માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ, દીકરીઓ, દર્દીઓ અને વડીલોની તકલીફ દૂર થાય તે માટે ટૂંક સમયમાં રતાડીયા ગામને સરકારી બસ (એસ.ટી.)ની સુવિધા મળી રહેશે તેવી ખાત્રી આપી હતી.

Back to top button
error: Content is protected !!