
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ તા. ૨૭ ઓગસ્ટ : શિક્ષકોની કાયમી ઘટથી પીડાતા સરહદી કચ્છ જિલ્લાને આગામી દિવસોમાં થનારી ધો. ૧ થી ૫ ની નવી વિધાસહાયક ભરતીમાં મહત્તમ શિક્ષકો ફાળવાય તે માટે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કચ્છ- મોરબીના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓને રૂબરૂ મળીને આવેદનપત્રો આપી સરકારમાં રજૂઆત કરવા માંગ કરવામાં આવી હતી. જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના કો ઓપ્ટ સભ્ય રશ્મિકાંત ઠક્કર, જિલ્લા સંઘના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સિનિયર ઉપપ્રમુખ જીતેન્દ્ર ઠક્કર, ધીરજ ઠક્કર સહિતના હોદ્દેદારોની આગેવાનીમાં સંગઠનના ઇન્દ્રજીતસિંહ જાડેજા ,મયુરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, ધવલ ત્રિવેદી, ઈન્દુભા જાડેજા,હાર્દિક ત્રિપાઠી સહિતના શિક્ષકો રજૂઆતમાં જોડાયા હતા.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં હાલ ધોરણ ૧ થી ૫ માં કુલ મંજૂર મહેકમ ૫૪૧૮ છે, જેની સામે હાલ ૩૫૮૯ શિક્ષકો કામ કરે છે. આમ, નિમ્ન પ્રાથમિક વિભાગમાં જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ૧૮૨૯ જેટલી જગ્યાઓ ખાલી છે. જેની સીધી અસર બાળકોના શિક્ષણકાર્ય પર થાય છે. આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં ધો. ૧ થી ૫ માં ૧૧ હજાર જેટલા વિધાસહાયકોની ભરતી કરવામાં આવનાર છે. આ પૈકી ૭૭૪ જગ્યાઓ બાકી રાખી બાકીની ૧૦ હજારથી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયાને હાઇકોર્ટે પણ લીલી ઝંડી આપી દીધી છે ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની વધુ ઘટ હોઈ મહેકમમાં ખાલી જગ્યાઓની ટકાવારી પ્રમાણે કચ્છ જિલ્લાને વધુ શિક્ષકો ફાળવવામાં આવે તેમજ જે તાલુકાઓમાં વધુ ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ ભરતીમાં દર્શાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ભરતી બાદ વર્ષ ૨૦૨૭ માં રાજ્યમાં વધુ ૫ હજાર વિધાસહાયકોની ભરતીની પણ સરકારે જાહેરાત કરી છે ત્યારે જિલ્લાની શિક્ષક ઘટની સમસ્યા મહદ અંશે ઉકેલાય તેવી આશા સેવાઈ છે. પ્રજાકિય પ્રતિનિધિઓએ સંગઠનની વાત સાંભળી અને માંગ યોગ્ય ગણાવી સરકારમાં રજૂઆત કરવાની ખાત્રી ઉંચ્ચારી છે.



