GUJARATSAGBARA

દેડિયાપાડા-ચિકદા તાલુકામાં MGNREGAના બાકી પેમેન્ટ માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની માંગ,

સાંસદ મનસુખ વસાવાને રજૂઆત, ₹3.68 કરોડથી વધુનું મટીરીયલ પેમેન્ટ બાકી હોવાનો દાવો

દેડિયાપાડા-ચિકદા તાલુકામાં MGNREGAના બાકી પેમેન્ટ માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની માંગ,

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

સાંસદ મનસુખ વસાવાને રજૂઆત, ₹3.68 કરોડથી વધુનું મટીરીયલ પેમેન્ટ બાકી હોવાનો દાવો

 

દેડિયાપાડા અને ચિકદા તાલુકાની ગ્રામ પંચાયતોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ પૂર્ણ થયેલા તેમજ પ્રગતિ હેઠળના મટીરીયલ વિકાસના કામોના બાકી પેમેન્ટનો પ્રશ્ન ઉકેલવા માટે સરપંચ પરિષદ-ગુજરાત દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

 

સરપંચ પરિષદ નર્મદા જિલ્લાના અધ્યક્ષ કુંવરજીભાઈ અમરસિંગભાઈ વસાવા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાને પણ રજૂઆત કરી બાકી ચુકવણીનો પ્રશ્ન ઉકેલવા માટે સહકારની માંગ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

 

રજૂઆતમાં જણાવ્યા મુજબ વર્ષ 2025-26 દરમિયાન MGNREGA હેઠળ ઈ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેની ટેન્ડર અવધિ તા. 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ પણ દેડિયાપાડા અને ચિકદા તાલુકાની અનેક ગ્રામ પંચાયતો દ્વારા માલસામાન સંબંધિત વિવિધ વિકાસના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

 

ભાટપુર, બોગજ, ચુલી, દેડિયાપાડા, ડમખલ, કુલસર, ઘાટોલી, કાબરીપઠાર, ખેડીપાડા, ખોખરાઉમર, મંડાળા, મોટાસુકાઆંબા, પાનુડા, રીહદા, સામરપાડા, સામોટ, સેજપુર, સોલિયા, સુકવાલ અને તાબદા સહિતની ગ્રામ પંચાયતોમાં આંગણવાડી સહિતના વિવિધ વિકાસના કામો પૂર્ણ થયેલા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. જ્યારે કેટલીક આંગણવાડીઓનું બાંધકામ હાલ અલગ-અલગ તબક્કે પ્રગતિ હેઠળ હોવાનું પણ જણાવાયું છે.

 

સરપંચ પરિષદના જણાવ્યા અનુસાર વિવિધ મટીરીયલ વિકાસના કામોનું અંદાજે ₹3.68 કરોડથી વધુનું પેમેન્ટ બાકી છે. જેના કારણે ગ્રામ પંચાયતો તથા સંબંધિત કામગીરી સાથે જોડાયેલા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

 

બાકી પેમેન્ટનો પ્રશ્ન ઝડપથી ઉકેલવા માટે ફરીથી ઈ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી મુખ્ય માંગ કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવી નર્મદા જિલ્લામાં પણ દેડિયાપાડા અને ચિકદા તાલુકામાં આવી પ્રક્રિયા હાથ ધરી બાકી ચુકવણીનો પ્રશ્ન ઉકેલવા જિલ્લા તંત્રને વિનંતી કરવામાં આવી છે.

 

સરપંચ પરિષદે MGNREGAના બાકી પેમેન્ટની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય અને ગ્રામ પંચાયતોના વિકાસના કામોને વેગ મળે તે માટે જિલ્લા તંત્ર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા

વ્યક્ત કરી છે.

 

Back to top button
error: Content is protected !!