દાહોદની ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા (સલરા) ખાતે ગંભીર અનિયમિતતાઓ ઝડપાઈ; DEO દ્વારા કારણદર્શક નોટિસ ફટકારાઈ

તા.૦૧.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા (સલરા) ખાતે ગંભીર અનિયમિતતાઓ ઝડપાઈ; DEO દ્વારા કારણદર્શક નોટિસ ફટકારાઈ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા, સલરા ખાતે વ્યાપક સ્તરે ચાલતી અનિયમિતતાઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા તપાસ હાથ ધરી શાળા સંચાલકો, આચાર્ય તેમજ સ્ટાફને શો-કોઝ (કારણદર્શક) નોટિસ પાઠવવામાં આવી છે. અધિકારીઓના સંયુક્ત અહેવાલના આધારે DEO કચેરીની તપાસમાં નીચે મુજબની ગંભીર ક્ષતિઓ અને અનિયમિતતાઓ સામે આવી છે:હાજરીમાં મોટો ગોટાળો:રજિસ્ટર ચોપડે ધોરણ ૯ થી ૧૨માં કુલ ૧૩૬ વિદ્યાર્થીઓ નોંધાયેલા હોવા છતાં સ્થળ તપાસ દરમિયાન વર્ગખંડમાં માત્ર ૪ જ વિદ્યાર્થીઓ હાજર મળ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે તપાસ ટાણે અન્ય શાળા (પ્રગતિ કન્યા વિદ્યાલય, બટકવાડા)માંથી ૨૭ બાળકોને લાવીને બોગસ હાજરી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર સ્થળ ફેરફાર:શાળા તેના મંજૂર થયેલા મૂળ સ્થળને બદલે કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી વિના જ છેલ્લા ૧ વર્ષથી અન્ય મકાનમાં ચલાવવામાં આવી રહી છે.ભૌતિક સુવિધાઓનો અભાવ:શાળામાં પૂરતા વર્ગખંડો, હવા-ઉજાસ, બારીઓ અને રમત-ગમતના મેદાન જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ ઘોર અભાવ જોવા મળ્યો છે.સરકારી સાયકલોનું અનાદર:વર્ષ ૨૦૨૩-૨૪ની ‘સરસ્વતી સાધના યોજના’ હેઠળ ધોરણ-૯ની કન્યાઓ માટે આવેલી ૧૪ સાયકલો વહેંચ્યા વગર સ્ટોર રૂમમાં ધૂળ ખાતી અને ખરાબ હાલતમાં મળી આવી છે.સરકારી સામગ્રી અને ગ્રાન્ટનો દુરુપયોગ:‘જ્ઞાનકુંજ પ્રોજેક્ટ’ હેઠળ મળેલા ૫ સ્માર્ટ બોર્ડ અને ૪ લેપટોપ શાળામાં ઉપલબ્ધ ન હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી ન હોવા છતાં ખોટાં મહેકમ દર્શાવી ૨ ‘જ્ઞાન સહાયક’ની માંગણી કરી સરકારી નાણાંનો વ્યય કરવામાં આવ્યો છે.બોર્ડ પરીક્ષામાં ગંભીર વિસંગતતા: વર્ષ ૨૦૨૬ની SSC બોર્ડ પરીક્ષા માટે ૩૧ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં એકપણ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો ન હતો. HSCમાં પણ ૧૩માંથી માત્ર ૪ વિદ્યાર્થીઓ જ પરીક્ષામાં હાજર રહ્યા હતા.રેકર્ડ નિભાવવામાં બેદરકારી:શાળાનું જનરલ રજિસ્ટર, ડેડ સ્ટોક રજિસ્ટર અને વાર્ષિક હિસાબો અદ્યતન ન રાખવા તેમજ વહીવટી સ્ટાફ અને શિક્ષકો દ્વારા શૈક્ષણિક કામગીરીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, ૧૯૭૪ના નિયમોના ભંગ બદલ કચેરી દ્વારા શાળાની નિભાવ ગ્રાન્ટ કેમ કાપી ન લેવી અથવા શાળાની નોંધણી રદ કરવાની દરખાસ્ત કેમ ન કરવી તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.આ બાબતે શાળાના પ્રમુખ/મંત્રી, આચાર્ય મનિષાબેન પારગી, વહીવટી ક્લાર્ક બાબુભાઈ ચરપોટ અને શિક્ષકોને ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ DEO કચેરી, દાહોદ ખાતે રૂબરૂ સુનાવણી માટે હાજર રહેવા આદેશ કરાયો છે.



