નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સમીક્ષા બાદ અમલસાડના સરીબુજરંગ ગામે પહોંચી પરિસ્થિતિનો લીધો તાગ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગુરુવારે નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે સૌપ્રથમ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ ગણદેવી તાલુકાના અમલસાડ સરીબુજરંગ ગામે પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારનું સ્થળ પર નિરીક્ષણ કરી સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો હતો.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ જિલ્લામાં વરસાદની વર્તમાન સ્થિતિ, વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી રેસ્ક્યુ કામગીરી, સલામત સ્થળોએ સ્થળાંતરિત કરાયેલા નાગરિકોની વ્યવસ્થા, રાહત કેન્દ્રોમાં ઉપલબ્ધ સુવિધાઓ, આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ તેમજ સાવચેતીના ભાગરૂપે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવેલા માર્ગોની વિગતવાર માહિતી આપી હતી.
સમીક્ષા બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગો વચ્ચે સુમેળપૂર્ણ સંકલન જાળવી રાખી રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા સૂચના આપી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે સતત સતર્ક રહેવા તેમજ જરૂરિયાતમંદ લોકોને સમયસર સહાય પહોંચે તેની ખાતરી કરવા ભાર મૂક્યો હતો. સાથે જ રાહત કેન્દ્રોમાં રહેતા નાગરિકોને આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તેની ખાસ તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી હતી.
ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી ગણદેવી તાલુકાના અમલસાડ સરીબુજરંગ ગામે પહોંચ્યા હતા. ત્યાં તેમણે સરપંચ, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી ભારે વરસાદથી થયેલી અસર, હાલની સ્થિતિ અને લોકોની જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. અસરગ્રસ્ત વિસ્તારનું સ્થળ પર નિરીક્ષણ કરીને અધિકારીઓ પાસેથી રાહત કામગીરીની પ્રગતિ અંગે પણ જાણકારી મેળવી હતી.
તેમણે અધિકારીઓને અસરગ્રસ્તોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી કામગીરી કરવા તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક સહાય પહોંચાડવા સૂચના આપી હતી. આ સાથે રાજ્ય સરકાર જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહી પૂરગ્રસ્તોને દરેક પ્રકારની જરૂરી મદદ પહોંચાડવા સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, સુરત રેન્જના આઈ.જી. પ્રેમવીર સિંહ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, અધિક કલેક્ટર જી. એન. લિખિયા, નાયબ કલેક્ટર શિવરાજ ખુમાણ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




