DEVBHOOMI DWARKADWARKA

દ્વારકાનગરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારોહ યોજાયો

સત્કાર સમારોહ અંતર્ગત યોજાયેલા  સાંસ્કૃતિક કાર્યક્રમમાં પાંચ રાજ્યના ૨૦૦થી વધુ કલાકારોએ મનમોહક કૃતિઓ રજૂ કરી

ઉત્તર-પૂર્વીય તથા ગુજરાતના કલાકારોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ભારતના પૂર્વ અને પશ્ચિમ પ્રદેશ વચ્ચે “સાંસ્કૃતિક સેતુ” રચ્યો

***

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        દ્વારિકાનગરીના આકાશમાં ચંદ્ર હજુ ઉદય પામી રહ્યો હતો, ત્યારે અહીંના સમુદ્રતટે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોના હૈયામાં જાણે આનંદની ભરતી આવી હતી… પ્રસંગ હતો દ્વારિકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણ અને ઉત્તર પૂર્વના રાજકુમારી શ્રી રૂક્ષ્મણી દેવીના “વિવાહ સત્કાર સમારોહનો”… જેમાં ઉત્તર-પૂર્વનાં ચાર રાજ્યો અને ગુજરાતના મળીને ૨૦૦થી વધુ કલાકારોએ વિવિધ લોકનૃત્યો સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને, ભારતના પૂર્વ અને પશ્ચિમ પ્રદેશ વચ્ચે જાણે “સાંસ્કૃતિક સેતુ” રચ્યો હતો. આ સાથે આ કલાકારોએ “અનંત પ્રેમ અને અધ્યાત્મની યુગોથી ચાલી આવતી પરંપરા”ને જાણે જીવંત કરી હતી.

        પોરબંદરના માધવપુરમાં લગ્ન બાદ ભગવાન શ્રીકૃષ્ણ તથા રાજકુમારી શ્રી રૂક્ષ્મણીજી આજે દ્વારકા પહોંચતા  નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં નગરજનો દ્વારા ઠેર ઠેર નવવિવાહિત યુગલનું ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

        ત્યારબાદ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ-ગાંધીનગર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારકા સર્કિટહાઉસ પાસે રાત્રે નવવિવાહિત યુગલના “વિવાહ સત્કાર સમારોહ”નું આયોજન કરાયું હતું. જેને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મન ભરીને માણ્યો હતો.

        આ કાર્યક્રમના મુખ્ય અતિથિ દેવભૂમિ દ્વારકાના પ્રિન્સિપલ ડીસ્ટ્રિકટ જજ શ્રી એ.વી.વ્યાસ સહિતના વિવિધ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

        આ તકે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર. રાવલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા  જણાવ્યું હતું કે, આ એક એવો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જે દેશમાં જ્યાં સૂર્ય પ્રથમ ઊગે છે એવા પૂર્વીય પ્રદેશ અને સૂર્ય જ્યાં આથમે છે એવા પશ્ચિમ પ્રદેશને એકાત્મતાની ભાવનાથી જોડે છે. આ કાર્યક્રમ દેશની ભવ્ય સાંસ્કૃતિક પરંપરા અને ભાવનાત્મક એકાત્મતાનું પ્રતિક છે. આ કાર્યક્રમ બે પ્રદેશોના સાંસ્કૃતિક આદાન-પ્રદાન સાથે અનંત પ્રેમની આધ્યાત્મિક અનુભૂતિ પણ કરાવે છે.

        દ્વારકાના લોકોને નસીબદાર ગણાવતા તેમણે કહ્યું હતું કે,  અહીંના લોકોએ છેક મહાભારત કાળથી, પાંચ હજાર વર્ષથી ચાલી આવતી આ પરંપરાને જાળવી રાખી છે. જે આપણા સૌ માટે આનંદ અને સાંસ્કૃતિક વારસા પર ગૌરવ લેવા જેવી બાબત છે.

        આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, માધવપુર ઘેડનો મેળો એટલે બે સંસ્કૃતિને એક તાતણે બાંધતો સાંસ્કૃતિક મેળો. ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગની સ્મૃતિમાં વર્ષોથી પરંપરાગત રીતે યોજાતો મેળો છેલ્લા કેટલાક વર્ષોથી લોક સુવિધા અને સાંસ્કૃતિક ઉત્સવનો મેળો બન્યો છે. આ પરંપરામાં આપણે આગળ વધીને ગત વર્ષથી માધવપુર અને દ્વારકાના ભાવનાત્મક જોડાણને ઉજાગર કર્યું છે. જેથી આ મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરનારો પણ બન્યો છે. કલેક્ટરશ્રીએ આ તકે ઉપસ્થિત રહેલા જુદા જુદા રાજ્યોના તથા ગુજરાતના કલાકારો તેમજ ઉપસ્થિત સૌને આવકાર્યા હતા.

કાર્યક્રમ અંતર્ગત કલાકારોએ 13 જેટલી મનમોહક કૃતિઓ તથા લોકનૃત્યો પ્રસ્તુત કરીને રંગત જમાવી હતી.

     આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી સુશ્રી હિરલ વ્યાસે આભારવિધિ કરી હતી.

        આ સમારોહમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સહાયક નિયામક શ્રી વીરેન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી ભુપેશ જોટાણીયા, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના વહિવટી અધિકારી શ્રી રસિક મકવાણા, પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચીફ એન્જિનિયર શ્રી કેયુર શેઠ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક શ્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!