ખંભાળિયા ખાતે “અન્ન સંતૃપ્તિકરણ અભિયાન” અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા, વૃદ્ધો અને દિવ્યાંગ લાભાર્થીઓને મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે કરાયા લાભાન્વિત
ગરીબો તથા વંચિતો સહિત કોઈપણ નાગરિક ભૂખ્યા ન રહે તેની દરકાર રાજ્ય સરકાર લઈ રહી છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષતામાં ટાઉનહોલ ખંભાળિયા ખાતે “અન્ન સંતૃપ્તિકરણ અભિયાન” અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા, વૃદ્ધ અને દિવ્યાંગ લાભાર્થીઓને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ કહ્યું કે, ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભાન્વિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો એ માટે ગૌરવની લાગણી અનુભવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન રહે તેની ચિંતા કરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અમલમાં મૂકી હતી. આહાર, આવાસ અને આરોગ્ય થકી ગરીબી તથા વંચિતોના સશક્તિકરણ માટે ભગીરથ પ્રયાસો કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના મહામારીના કપરા સમયમાં જ્યારે તમામ પ્રવૃતિઓ બંધ હતી ત્યારે દેશના કોઈપણ નાગરિક અનાજથી વંચિત ન રહે તેની તકેદારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાખી હતી. છેવાડાના માનવી સુધી પોષણક્ષમ અનાજ મળી રહે તે માટે સુવ્યસ્થિત આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કર્યું છે. એમાં ખાસ કરીને તહેવારોના સમયમાં પણ ગરીબો તથા વંચિતોના ખ્યાલ રાખી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. મારો સૌને અનુરોધ છે કે હજુ પણ આપણી આસપાસ જો કોઈ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સહિત વિવિધ યોજનાઓ લાભાર્થીઓ બાકી રહી જતા હોય તો તેમને પણ લાભ મળે તેવો પ્રયાસ કરવો જોઈએ.
આ તકે કલેકટર શ્રી રાજેશ તન્નાએ કહ્યું હતું કે, ગરીબ તથા છેવાડાના નાગરિકોને અન્ન પુરવઠા બાબતમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની દરકાર રાજ્ય સરકાર લઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ફૂડ સિક્યોરિટી બાબતને ગંભીરતાથી લઈ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તંદુરસ્તીનો મુખ્ય આધાર પોષણ જેના માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી ઉત્તમ કાર્ય કર્યું છે.
રાજ્ય સરકારના “અન્ન સંતૃપ્તિકરણ અભિયાન” રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના માધ્યમથી ગરીબ અને નબળા વર્ગો સુધી પોષણયુક્ત ખોરાક પહોંચાડવાનો એક ઉત્તમ પ્રયાસ છે. જેમાં આજરોજ ખંભાળિયા ટાઉનહોલ ખાતે મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં અંદાજિત બે હજાર કરતા વધુ ગંગા સ્વરૂપા બહેનો, વૃદ્ધ વ્યક્તિઓ અને દિવ્યાંગ લાભાર્થીઓને લાભ વિતરિત કરવામાં લાવ્યા હતા.
કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કૃષ્ણા સોલંકી તેમજ આભારવિધિ મામલતદાર શ્રી વિક્રમ વરૂ દ્વારા કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સયુંકત નિયામક શ્રી સી.એ.ગાંધી, અંગત સચિવ શ્રી ચેતન ગણાત્રા, પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા સહિત અંગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



