DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દાંતા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા

      ઉલ્લાસમય શિક્ષણની ઊજવણી રૂપ શાળા પ્રવેશોત્સવ સમગ્ર રાજ્યમાં ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાએ જામ ખંભાળિયા તાલુકાના દાંતા ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.

        આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, આજરોજ શિક્ષણના મહાયજ્ઞ એવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યામાં બાળકો આજે પોતાના શૈક્ષણિક જીવનમાં પા પા પગલી માંડશે.

        વધુમાં કલેકટરશ્રીએ સરકાર દ્વારા બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમલીકૃત અનેકવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા શિક્ષકો તથા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. વધુમાં તેઓશ્રીએ વિદ્યાર્થીઓના હિત માટે ચિંતિત દાતાશ્રીઓ તેમજ સી.એસ.આર. અંતર્ગત ફાળો આપતી કંપનીઓનો તેમના યોગદાન માટે જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર માન્યો હતો.

        દાંતા પ્રાથમિક શાળા તથા ધરમપુર વાડી શાળામાં આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીમાં ૦૩, બાલવાટિકામાં ૨૯ તથા ધોરણ-૦૧માં ૨૩ બાળકોને મહાનુભવોએ શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો.

        સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા  કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટય અને પ્રભુ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

        આ પ્રસંગે ખંભાળિયા મામલતદાર શ્રી વી.કે.વરૂ, દાંતા પ્રાથમિક શાળા આચાર્યશ્રી રવિભાઈ, ગામ અગ્રણીશ્રી જશવંતસિંહ, રાજુભાઈ સહિત શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!