વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.08 જૂન : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા વિશેષ આયોજન હાથ ધરાયેલ છે. જે અંતર્ગત કચ્છમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકામાં પણ ‘જુન માસ-મેલેરિયા વિરોધી માસ’ની ઉજવણીમાં આરોગ્ય કર્મચારી મારફતે ગ્રામ્ય વિસ્તારના ઘરોની મુલાકાત કરી સર્વેલન્સની કામગીરી સાથે મેલેરીયા વિરોધી પોરાનાશક કામગીરી હાથ ધરાઈ છે અને સાથે- સાથે બેનર-પોસ્ટર, પત્રીકા તથા સોશિયલ મીડિયા મારફતે મચ્છરજન્ય રોગો અટકાવવા અંગેની જાહેરાત સંદેશાઓ મોકલી લોકજાગૃતિ લવાઈ રહી છે.
મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતો દ્વારા અનુરોધ કરાયો છે.
વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે. જેથી મચ્છર ઉત્પતિ અટકાવા ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના ટાંકાઓં પાત્રોને હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની છત ઉપર ચોમાસા પહેલા કે બાદ કાટમાળનો નિકાલ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી એવી માહિતી તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટિયાની આગેવાની હેઠળ તાલુકાના ગોયરસમા, સુખપર, ટપ્પર, સમઘોઘા, નવીનાળ, ધ્રબ, ગુંદાલા જેવા ગામોમાં યોજાયેલા નિદાન કેમ્પોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને અપાઈ રહી છે.
મેલેરિયા કેવી રીતે ફેલાય છે ?
મેલેરિયા એ ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પેદા થતાં એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યકિતમાંથી બીજી વ્યકિતમાં ફેલાતો અને પ્લાસમોડીયમ નામના પરોપજીવી જંતુથી થતો રોગ છે. એનોફિલીસ માદા મચ્છર મેલેરિયાના દર્દીને કરડે ત્યારે પરોપજીવી જંતુને લોહી સાથે ચૂસી લે છે. ત્યારબાદ આ મચ્છર તંદુરસ્ત વ્યકિતને કરડે ત્યારે તેને મેલેરિયાનો ચેપ લાગે છે.
મેલેરિયાના ચિન્હો – મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગવી, ધ્રુજારી આવવી, ૮ થી ૧૨ કલાક તીવ્ર તાવ આવવો, તાવ એક દિવસના અંતરે અથવા દરરોજ આવવો, માથું અને શરીર દુખવું, કળતર તેમજ ઊલટી થાય, ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો થાય જેવા વિવિધ લક્ષણો જોવા મળે છે.મેલેરિયા સામે રક્ષણ માટે મચ્છરોની ઉત્પત્તિ અટકાવવી ખૂબ જ જરૂરી છે, તે માટે પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકીને રાખવા, ઘરની આજુ બાજુ પાણીના નાના ભરાવામાં માટીથી પુરાણ કરવું તેમજ મોટા ભરાવામાં પોરાભક્ષક માછલીઓ અવશ્ય મૂકવી, મચ્છરોથી બચવા માટે ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવો, બારી બારણાઓમાં મચ્છર જાળીઓ લગાડવી, મચ્છર અગરબત્તિ તથા રિપેલન્ટનો ઉપયોગ કરવો, વહેલી સવારે અને સંધ્યા કાળે ઘરના બારી બારણા એક કલાક માટે બંધ રાખવા, સુતી વખતે જંતુનાશક દવાયુક્ત કે સાદી મચ્છરદાનીનો ઉપયોગ કરવો, તાવ આવે ત્યારે લોહીની તપાસ અવશ્ય કરાવવી જેવા સાવચેતીના પગલાં ભરવા જિલ્લા મેલેરિયા વિભાગે એક યાદીમાં જણાવ્યું છે.