Rajkot: બારવણ પ્રાથમિક શાળામાં ‘શાળા સલામતી સપ્તાહ’ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ
તા.૨૦/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રેસ્ક્યુના લાઈવ ડેમોન્સ્ટ્રેશન થકી સાધનો અંગે સરળ ભાષામાં સમજ આપતી એસ.ડી.આર.એફ.ની ટીમ
૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ટીમે સી.પી.આર. અને પ્રિ-હોસ્પિટલ કેર વિશે માર્ગદર્શન આપ્યું
Rajkot: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (G.S.D.M.A.) દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવવાના હેતુસર રાજ્યમાં તા. ૨૦થી તા. ૨૫ જાન્યુઆરી સુધી ‘શાળા સલામતી સપ્તાહ’ની ઉજવણીનું આયોજન કરાયું છે. જે અન્વયે પ્રથમ દિવસે રાજકોટ તાલુકાના બારવણ ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપનની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (રાજ્ય અનામત પોલીસ દળ જૂથ, ઘંટેશ્વર – ૧૩) દ્વારા વિદ્યાર્થીઓને ભૂકંપ, વાવાઝોડું, પૂર, આગ, ઔદ્યોગિક અકસ્માત જેવી સંભવિત આપત્તિઓ સામે શાળા કક્ષાએ કેવા પ્રકારના સાવચેતીનાં પગલા લેવા જોઈએ, તે બાબતે તાલીમબદ્ધ કરાયા હતા. આપત્તિ પહેલા, આપત્તિ દરમિયાન અને આપત્તિ બાદ સલામતીના જરૂરી પગલાં સૂચવાયા હતા. રેસ્ક્યુના લાઈવ ડેમોન્સ્ટ્રેશન થકી બચાવ કામગીરીમાં ઉપયોગી એવા મીની પોર્ટેબલ જનરેટર, એર બોટ, લાઇફ જેકેટ, ઇલેક્ટ્રીક કટર, સ્મોક વેન્ટીલેટર, એર બેગ, બેઝ લાઈટ સહિતના સાધનો અંગે સરળ ભાષામાં સમજ અપાઈ હતી.
આ ઉપરાંત, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ટીમ દ્વારા સી.પી.આર. (કાર્ડિયો પલમોનરી રિસાઈટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાની પદ્ધતિ તથા અકસ્માત સમયે તાત્કાલિક પ્રિ-હોસ્પિટલ કેર (પ્રાથમિક તબીબી સારવાર) આપવા વિશે લાઈવ પ્રેઝન્ટેશનના માધ્યમથી માર્ગદર્શન અપાયું હતું. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની કામગીરી વિષયક વિસ્તૃત જાણકારી અપાઈ હતી. તેમજ જો વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ જૂએ તો તુરંત ૧૦૮ હેલ્પલાઈન પર કોલ કરવા અનુરોધ કર્યો હતો.
આ તકે સરપંચશ્રી પ્રકાશબેન સોરાણી, તાલુકા મામલતદારશ્રી કે.એચ.મકવાણા, ડીઝાસ્ટર મામલતદારશ્રી અશ્વિનભાઈ દોશી, એસ.ડી.આર.એફ. પી.એસ.આઇ.શ્રી વી.એચ.ડાંગર, ડીઝાસ્ટર ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ ઓફિસરશ્રી પૂજાબેન વાઘમોરે, ૧૦૮ ઈમર્જન્સી મેનેજમેન્ટ એકઝીક્યુટીવશ્રી યોગેશભાઈ જાની, શાળાના આચાર્યશ્રી કિરીટસિંહ વાળા સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.