BHACHAUGUJARATKUTCH

વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને નિદર્શન કીટોનું વિતરણ,

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૧૪ જુલાઈ : ખેડૂતો સુધી આધુનિક કૃષિ ટેક્નોલોજી પહોંચાડવા, ભલામણ કરાયેલ સુધારેલ જાતોના પ્રચાર-પ્રસારને વેગ આપવા તેમજ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓના વ્યાપક અમલીકરણના હેતુથી વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ પસંદગી પામેલા ખેડૂતોને નિદર્શન કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે.ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી યોજના અંતર્ગત કુલ ૫ ખેડૂતોને પ્રતિ ખેડૂત ૪.૦૦ કિલોગ્રામ મુજબ કુલ ૨૦.૦૦ કિલોગ્રામ દિવેલાની GCH-8 જાતના બીજ તેમજ તુવેરની GT-107 જાતના બીજનું નિદર્શન આપવામાં આવ્યું છે. આ નિદર્શનનો હેતુ ખેડૂતોને ભલામણ કરાયેલ સુધારેલ જાતોના ઉત્પાદન અને તેમની કાર્યક્ષમતાનો ખેતર સ્તરે પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો છે.હોલીસ્ટિક એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ યોજના હેઠળ વિભાગીય સંશોધન કેન્દ્ર દ્વારા દત્તક લેવામાં આવેલા કુંભારડી અને ગુણાતીતપુર ગામોમાં વિવિધ પાકોના નિદર્શન માટે કુલ ૧૦ ખેડૂતોને ૪૦.૦૦ કિલોગ્રામ દિવેલાની GCH-8 જાત, ૧૦ ખેડૂતોને ૬૦.૦૦ કિલોગ્રામ મગની GM-4 જાત તથા ૨૦ ખેડૂતોને ૮૦.૦૦ કિલોગ્રામ તુવેરની GT-107 જાતના બીજનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, બંને ગામોની કુલ ૩૦ મહિલા લાભાર્થીઓને પોષણયુક્ત આહાર અને ઘરઆંગણે શાકભાજી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કિચન ગાર્ડનિંગ કીટ પણ આપવામાં આવી છે.સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)અંતર્ગત કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ચાર અલગ-અલગ નિદર્શન કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. દરેક નિદર્શન માટે ૧૫ ખેડૂતોની પસંદગી કરવામાં આવતા કુલ ૬૦ ખેડૂતોને લાભાન્વિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ હેઠળ કેસર જાતના કુલ ૭૨૦ આંબાના રોપા, મગની GM-9 જાતના ૯૬.૦૦ કિલોગ્રામ, દિવેલાની GCH-8 જાતના ૧૩૦.૦૦ કિલોગ્રામ, શણના ૨૪૦.૦૦ કિલોગ્રામ, તુવેરની GT-107 જાતના ૮૦.૦૦ કિલોગ્રામ તથા કારીંગડાના ૧૬.૦૦ કિલોગ્રામ બિયારણનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, સંકલિત ખેતી પદ્ધતિના નિદર્શન અંતર્ગત રજકો, બાજરી, અડદ, પપૈયા, ચીકુ, જામફળ, સીતાફળ, ડ્રેગન ફ્રૂટ, લીંબુ, ફાલ્સા, સરગવો તેમજ કિચન ગાર્ડન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.આ તમામ નિદર્શન કાર્યક્રમોનો મુખ્ય હેતુ ખેડૂતોને સુધારેલ જાતો અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓનો ખેતર સ્તરે પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવાનો, બાગાયતી પાકો અને સંકલિત ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રેરિત કરવાનો, પાણી તથા અન્ય કુદરતી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવાનો તેમજ ઉત્પાદન, ઉત્પાદકતા અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે.આ કાર્યક્રમ દરમિયાન ડૉ. યોગેશ રાઠવા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકએ જણાવ્યું હતું કે, “આ નિદર્શન કાર્યક્રમો માત્ર બીજ વિતરણ પૂરતા મર્યાદિત નથી. નિદર્શન માટે પસંદગી પામેલા ખેડૂતોને સમગ્ર પાક અવધિ દરમિયાન વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, સમયાંતરે તકનીકી માર્ગદર્શન, ખેતર મુલાકાત, જીવાત અને રોગ નિયંત્રણ તેમજ પાક વ્યવસ્થાપન અંગે સતત માર્ગદર્શન આપવામાં આવશે, જેથી નિદર્શનના સકારાત્મક પરિણામો વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે અને નવી ટેક્નોલોજીનો વ્યાપ વધે.”કેન્દ્ર વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આર. એમ. જાડેજાએ ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું હતું કે નિદર્શન હેઠળ આપવામાં આવેલી સુધારેલ જાતો અને બાગાયતી પાકોનું વૈજ્ઞાનિક અભિગમ સાથે વાવેતર કરી ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરે તેમજ પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં અન્ય ખેડૂતોને પણ આ ટેક્નોલોજી અપનાવવા પ્રેરિત કરે. આ ઉપરાંત, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીના હસ્તે ખેડૂતોને નિદર્શન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા તેમણે ખેડૂતોને આધુનિક, ટકાઉ અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માર્ગદર્શન આપ્યું હતું.ખેડૂતોની પસંદગી, લાભાર્થીઓ સાથે સંકલન તેમજ નિદર્શન કીટોના આયોજનબદ્ધ વિતરણમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. યોગેશ રાઠવા, શ્રી રાજ પરવાડીયા, સિનિયર રિસર્ચ ફેલોતેમજ ખેતી મદદનીશ, શ્રી જશપાલસિંહ ડાભીએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.

Back to top button
error: Content is protected !!