વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૫: મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ, સુપામાં આજરોજ ઇકો ક્લબની આગેવાની હેઠળ એક સરાહનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈ પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના ઊભી કરવાનું હતું. રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન તથા ફ્રેન્ડ્સ ઑફ નેચર, નવસારીના સહયોગથી શાળાને ૩૫ પાણીના કુંડા આપવામાં આવ્યા હતા. શાળાની ઇકો ક્લબ દ્વારા વધારાના કુંડા અને માળા પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઇકો ક્લબ કન્વીનર સરસ્વતી ચૌધરીએ સમગ્ર પ્રવૃત્તિની માહિતી આપી. માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પરેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, “વિદ્યાર્થીઓ માટે પર્યાવરણનું કામ સંવેદનશીલતા માટે જીવંત પ્રયોગશાળા બની રહ્યું છે.”
આ પ્રસંગે આશ્રમ અધ્યક્ષ શ્રી સુરેશભાઈ રત્નાણીએ કુંડાઓને “પક્ષીઓ માટે આશીર્વાદરૂપ” ગણાવ્યા હતા. કેમ્પસ ડાયરેક્ટર ડૉ. આચાર્ય ચંદ્રગુપ્તે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારી નિભાવવા પ્રેરણા આપી હતી. પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ આહિરે પક્ષીઓના માળા લગાવવાના યોગ્ય સ્થળોની સૂચના આપી હતી.
ગુરુકુળમાં પર્યાવરણ પ્રહરી પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ અને પર્યાવરણ રેલી જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણપ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ઉપરાંત, પર્યાવરણ વિષયક પુસ્તકો શાળાના પુસ્તકાલયમાં વસાવવામાં આવે છે, વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ બાબતે વાર્તાલાપ થાય છે, ગૌશાળાની મુલાકાત, પશુ–પક્ષી માટે સંવેદના ઉદભવે તેવા પ્રયાસો સતત હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રવૃત્તિ ગુરુકુળના શિક્ષણ તંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે.