વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા જનકલ્યાણના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના.
ભુજ,તા-૨૧ સપ્ટેમ્બર : જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સહિત કચ્છના ધારાસભ્યશ્રીઓ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીએ જનહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ ગૌચર જમીનોમાં દબાણ અને પંચાયતના રસ્તાઓ અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે નખત્રાણાના થાન જાગીર વિકાસના કામનો પ્રગતિ અહેવાલ અને અમલીકરણ અને કડિયા ધ્રો ખાતે પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવા અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ ઔદ્યૌગિક ગૃહોને વીજ શુલ્ક માફીની વિગતો, ભારાપર કેરા બળદિયા બાયપાસનું કામ, ધ્રંગ ખાતે પાણી વિતરણ વ્યવસ્થા, લીલાશાહ ફાટકનું કામ, ખેડોઈ અને લાખાપર ગામમાં બેંક સુવિધા સહિતના નાગરિક હિતના પ્રશ્નો બેઠકમાં રજૂ કર્યા હતા. અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જી.કે.જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવાઓનો જથ્થો, જાબરી ડેમ માટે જમીન સંપાદન પ્રક્રિયા, નખત્રાણા નગરપાલિકા વોર્ડની રચના, નાના-મોટા ડેમોનું સમારકામ, ખેડૂતોને વીજ કનેક્શન, યુરિયા ખાતરનો જથ્થો, ગેરકાયદેસર પાણીના કનેક્શન, લાખીયાવીરા ગામે શાળાના ઓરડાનું નિર્માણ, કચ્છની વિવિધ કંપનીઓ દ્વારા સીએસઆર પ્રવૃતિ, ખાણ ખનીજ લીઝ ફરતે ફેન્સિંગ અને નવા વીજ કનેક્શન સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતિ કુંવરબેન મહેશ્વરીએ પ્રધાનમંત્રી માતૃવંદનાનું અમલીકરણ, સિંચાઈ વિભાગના કામો, સિંચાઈ વિભાગ દ્વારા મંડળીઓને આપવામાં આવતા કામો, આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ, ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘાસનું કલેક્શન, અનુસૂચિત જાતિ માટેના કન્યા અને કુમાર છાત્રાલયોમાં એડમિશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સ્ટાફ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી જવાબ મેળવીને ત્વરિત નિકાલ કરવા સૂચના આપી હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાએ પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોને અગ્રતા આપીને નાગરિકોને કોઈ જ અગવડતા ના પડે દિશામાં કામગીરી કરવા તમામ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, ઈન્ચાર્જ પશ્ચિમ કચ્છ તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી નિકુંજ પરીખ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.