સુરેન્દ્રનગર: મેળાના આયોજકો માટે જિલ્લા પોલીસ વડાની કડક સૂચનાઓ, નિયમોનું ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

તા.28/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારા આગામી મેળાઓને ધ્યાને રાખીને જાહેર જનતાની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ દ્વારા મેળાના આયોજકો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ વડા દ્વારા મેળામાં આવતા મુલાકાતીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે આયોજકોને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં મેળાના સ્થળે પૂરતા પ્રમાણમાં પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવાના રહેશે. કોઈ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિને સિક્યુરિટી તરીકે રાખી શકાશે નહીં. આ ઉપરાંત, મેળાની અંદર અને બહારના રોડ પર સ્પષ્ટ દેખાય તેવા Night- Vision અને High- Definition CCTV કેમેરા ચાલુ રાખવા તથા ઓછામાં ઓછું ૭ દિવસનું DVR રેકોર્ડિંગ બેકઅપ રાખવું ફરજિયાત છે. મેળામાં મૂકવામાં આવતી તમામ રાઈડ્સ માટે સરકારની નિયત SOP મુજબ પૂર્વ મંજૂરી મેળવવી પડશે. દરેક રાઈડ પાસે નિયત ભાવનું બોર્ડ સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવાનું રહેશે. વધુ ભીડના સમયે રાઈડના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરી શકાશે નહીં. વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવી અને શક્ય હોય ત્યાં સુધી નિઃશુલ્ક પાર્કિંગ રાખવા સૂચના અપાઈ છે. ભીડ નિયંત્રણ સરળ બને તે માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ સંપૂર્ણપણે અલગ-અલગ રાખવાના રહેશે ફાયર સેફ્ટીના સાધનો અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા માટે ફૂડ સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન કરવાનું રહેશે. સાથોસાથ, ગુનાહિત ઈતિહાસ ધરાવતા કોઈ પણ ઈસમનું સ્ટેજ પર સ્વાગત કે સન્માન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જનસુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા છે.” જો કોઈ પણ આયોજક દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.


