Rajkot: ઉપલેટા અને ધોરાજી ખાતે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ અને યુ.ડી.આઇ.ડી. કાર્ડ કેમ્પ યોજાશે
તા.૧૮/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
દિવ્યાંગોએ જરૂરી આધાર પુરાવાઓ સાથે કેમ્પનો લાભ લેવા અનુરોધ
Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોરાજી તથા ઉપલેટાની સરકારી હોસ્પિટલ ખાતે રાજકોટ તથા આજુબાજુના જિલ્લાના દિવ્યાંગોના લાભાર્થે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ અને યુ.ડી.આઇ.ડી. કાર્ડ કઢાવવાના કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ક્ષતિ, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી જેવી દિવ્યાંગતાની ચાર કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સાધન સહાય આપવા માટે પસંદ કરાશે. તેમજ દિવ્યાંગજનની આરોગ્ય તપાસ કરીને યુનિક ડિસેબીલીટી આઇડેન્ટીટી કાર્ડ બનાવી અપાશે. આ કેમ્પ ભારત સરકારની A.D.I.P. યોજના તથા P.G.V.C.L. કંપનીના ફંડ અંતર્ગત એલીમ્કો કંપનીના સહયોગથી યોજાશે.
આ કેમ્પ તા. ૨૦ જાન્યુઆરીના રોજ સરકારી હોસ્પિટલ, ઉપલેટા ખાતે તેમજ તા. ૨૧ જાન્યુઆરીના રોજ સરકારી હોસ્પિટલ, ધોરાજી ખાતે સવારે ૦૯:૩૦ કલાકથી સાંજે ૦૫ કલાક સુધી યોજાશે. કેમ્પ ખાતે દિવ્યાંગ લાભાર્થીએ સાધન સહાય મેળવવા માટે દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતા સર્ટીફિકેટની નકલ, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અપાયેલા યુ.ડી.આઇ.ડી. કાર્ડની નકલ, વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨,૬૪,૦૦૦ સુધીના પ્રમાણપત્રની નકલ, આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ જેવા જરૂરી આધાર પુરાવાઓ સાથે લાવવાના રહેશે. દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં અનુરોધ કરાયો છે.