સમીર પટેલ, ભરૂચ
દહેજ જીઆઇડીસીમાં વેલ્સપન કંપની નજીક માલવા પંજાબ હોટલની ખુલ્લી જગ્યામાં ચાલતા કેમિકલ ચોરી કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. વાગરાના એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટે જપ્ત કરાયેલા કેમિકલનો નાશ કરવાનો આદેશ આપ્યો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે 26 મે 2021ના રોજ દરોડો પાડ્યો હતો. ટીમે હોટલ પાસેના ગોડાઉન અને ગલેન્ડા ગામના અન્ય ગોડાઉનમાંથી 80.77 લાખનું કેમિકલ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત 6 વાહનો સહિત કુલ 1.32 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કૌભાંડમાં હવે કોર્ટે એક ટેન્કરમાં રહેલા 2 હજાર લીટર અને જુદા-જુદા બેરલમાં રહેલા 18,959 લીટર કેમિકલનો નાશ કરવાનો આદેશ આપ્યો છે. આ કેમિકલની કુલ કિંમત 6.36 લાખ રૂપિયા છે.
પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ મુદ્દામાલનો માલિક હોય તો તેણે 7 દિવસમાં પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. જો કોઈ સંપર્ક નહીં કરે તો નિયમ મુજબ કેમિકલનો નાશ કરવામાં આવશે.